શું ખરેખર સરકાર દ્વારા તમામ ખાનગી સ્કૂલોમાં એકસરખી ફી કરવામાં આવી...? જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારરત્રના કટિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં પ્રસારિત કરવામાં આવેલા સમાચારના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા નવો વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે જેમાં તમામ ખાનગી સ્કૂલોની ફી એકસરખી કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ જ વટહુકમ બહાર પાડવામાં ન આવ્યો હોવાનું સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ વિભાગના મંત્રીએ જણાવ્યું હતું. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સરકારી યોજના શેયર કરો. નામના ફેસબુક પેજ દ્વારા 6 જૂન, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા સમાચારપત્રના ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા નવો વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે જેમાં તમામ ખાનગી સ્કૂલોની ફી એકસરખી કરવામાં આવી છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ નવો વટહુકમ બહાર પાડવામાં આવ્યો હોય એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી. ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને CMO Gujarat ના સત્તાવાર ફેસબુક દ્વારા 1 ઓક્ટોમ્બર, 2020 ના રોજ કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, “રાજ્યની તમામ ખાનગી શાળાઓમાં આ વર્ષે વાલીઓને 25 ટકા ફી રાહત આપવાનો ગુજરાત સરકારનો નિર્ણય. શાળાઓ અન્ય કોઈ ઈતર ફી લઈ શકશે નહીં.”
ત્યારબાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સીધો જ રાજ્યકક્ષાના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી કિર્તીસિંહ વાઘેલા સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા તમામ ખાનગી શાળાઓની એકસરખી ફી અંગેનો કોઈ જ નિર્ણય કે વટહુકમ હાલમાં બહાર પાડવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ થઈ રહી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ જ વટહુકમ બહાર પાડવામાં ન આવ્યો હોવાનું સરકારના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:શું ખરેખર સરકાર દ્વારા તમામ ખાનગી સ્કૂલોમાં એકસરખી ફી કરવામાં આવી...? જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: False