ગાઝિયાબાદમાં એક મહિલાને જીએસટી વિના દહીં અને પનીર ખાવા બદલ ગિરફ્તાર કરવામાં આવી હોવાના વીડિયોનું જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જીએસટીની માહિતી સાથેનો એક  વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગાઝિયાબાદ ખાતે પોલીસે એક મહિલાને જીએસટી ભર્યા વિના દહીં અને પનીર ખાવા બદલ પોલીસે તેની ધરપકડ કરી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વાસ્તવિક નહીં પરંતુ મજાક માટે બનાવવામાં આવ્યો છે. આ વીડિયોને વાસ્તવિક ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

सुत्रों के हवाले से નામના ફેસબુક પેજ દ્વારા 25 જુલાઈ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હવે આવું જ જોવાનું બાકી રહી ગયું હતું..!પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગાઝિયાબાદ ખાતે પોલીસે એક મહિલાને જીએસટી ભર્યા વિના દહીં અને પનીર ખાવા બદલ પોલીસે તેની ધરપકડ કરી છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં ડાબી બાજુ પર ખૂણામાં NBT લખેલું છે. જે નવભારત ટાઈમ્સનું ચિહ્ન છે. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત સંશોધનને ધ્યાનમાં રાખીને અમે યુટ્યુબ પર જુદા-જુદા કીવર્ડનો ઉપયોગ કરીને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો નવભારત ટાઈમ્સની ફેક ઈટ ઈન્ડિયા નામની સત્તાવાર ચેનલ પર 22 જુલાઈ, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો જોતાં જ તમને ખ્યાલ આવી જશે કે, આ વીડિયો માત્ર મજાક અને મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે.

Archive

વધુમાં અમને આ વીડિયોની શરૂઆતમાં લખેલી કેટલીક માહિતી મળી હતી. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે, આ વીડિયો કાલ્પનિક છે અને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. અહીં વર્ણવેલ ઘટના વાસ્તવિક નથી. આમાંની કોઈપણ માહિતી સાચી નથી. જે તમે નીચેના ફોટોમાં જોઈ શકો છો.

આ યુટ્યુબ ચેનલ પરના તમામ વીડિયો ફેક છે. આ ચેનલ પર અમને તેના અબાઉટ અસ સેક્શનમાં એવું પણ લખેલું જોવા મળ્યું કે, ફેક ઈટ ઈન્ડિયા ચેનલ દેશના સામાન્ય લોકોને ભોગવવી પડતી સમસ્યાઓ પર પ્રકાશ પાડવા માટે વર્તમાન ઘટનાઓ પર મનોરંજનના વીડિયો બનાવે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ પરોક્ષ કર અને કસ્ટમ્સે 18 જુલાઈથી પ્રી-પેકેજ, પ્રી-લેબલવાળા દહીં, લસ્સી અને બટર મિલ્ક સહિતના ઉત્પાદનોના છૂટક પેક પર 5% ના દરે GST વસૂલવાનું શરૂ કર્યું છે. અને તેના આધારે આ વીડીયો બનાવીને વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વાસ્તવિક નહીં પરંતુ મજાક માટે બનાવવામાં આવ્યો છે. આ વીડિયોને વાસ્તવિક ઘટના સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:ગાઝિયાબાદમાં એક મહિલાને જીએસટી વિના દહીં અને પનીર ખાવા બદલ ગિરફ્તાર કરવામાં આવી હોવાના વીડિયોનું જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False