તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે જેમાં ભાજપે 156 સીટ પર વિજય મેળવ્યો છે અને 12 ડિસેમ્બરે ગુજરાતના નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળની ગાંધીનગર ખાતે શપથવિધિ યોજાવાની છે. ત્યારે આ બધાની વચ્ચે News24 ચેનલના લોગો સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવો નિર્ણય લીધો કે, ગુજરાતના નવા મુખ્યમંત્રી અલ્પેશ ઠાકોર બનશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ News24 ચેનલના લોગોવાળો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. News24 ચેનલના લોગોનો દૂરપયોગ કરીને કોઈ ઠગબાજો દ્વારા આ પ્રકારે ખોટી માહિતી લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sharavan Thakor Veldingjogmayaનામના ફેસબુક યુઝર દ્વારા 9 ડિસેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવું લખવામાં આવ્યું છે કે, ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું... PM મોદીએ લીધો મોટો નિર્ણય... અલ્પેશ ઠાકોર બનશે મુખ્યમંત્રી. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવો નિર્ણય લીધો કે, ગુજરાતના નવા મુખ્યમંત્રી અલ્પેશ ઠાકોર બનશે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અલ્પેશ ઠાકોરને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ સર્ચ કરતાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી કે સમાચાર પ્રાપ્ત થયા નહતા.

ત્યાર બાદ અમે અમારી તપાસ આગળ વધારતાં અમને એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એમાં ડાબી બાજુ પર તમે ખૂણામાં News24 નો લોગો જોઈ શકો છો.

ત્યાર બાદ અમે અમારી તપાસ આગળ વધારતાં News24 સમાચાર ચેનલ વિશે માહિતી મેળવતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, News24 પર અંગ્રેજી અને હિન્દી ભાષામાં સમાચાર પ્રસારિત કરવામાં આવે છે. આ ચેનલ પર ગુજરાતી ભાષામાં સમાચાર પ્રસારિત કરવામાં નથી આવતા. આ ચેનલ હજુ સુધી ગુજરાતી ભાષામાં શરુ કરવામાં નથી આવી.

વધુમાં અમે News 24 ની સત્તાવાર યુટ્યુબ પર પણ આ પ્રકારની માહિતી શોધવાની કોશિશ કરી હતી પરંતુ અમને ત્યાં પણ આવી કોઈ જ માહિતી કે સમાચાર પ્રાપ્ત થયા નહતા.

નીચે તમે News 24 ના વાયરલ થયેલા એડિટેડ ફોટો અને ઓરિજીનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે એ કીવર્ડનો ઉપયોગ કરીને સર્ચ કરતાં અમને ટીવી9 ગુજરાતી દ્વારા 10 ડિસેમ્બર, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પ્રદેશ કાર્યાલય કમલમ્ ગાંધીનગર ખાતે 10 ડિસેમ્બરના રોજ વિધાનસબા દળની બેઠક યોજાઈ હતી. જેમાં કનુ દેસાઈ દ્વારા મુખ્યમંત્રીની પસંદગી માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેમાં પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, રમણ પાટકર અને મનિષા વકીલ દ્વારા આ પ્રસ્તાવને સમર્થન આફવામાં આવ્યું હતું અને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો હતો.

આજ માહિતી સાથેના સમાચાર અન્ય મીડિયા દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Sandesh News | The Economic Times

ભાજપના સત્તાવાર ટ્વિટર પર પણ 10 ડિસેમ્બર, 2022 ના રોજ કરવામાં આવેલી ટ્વિટમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બર, 2022 ના રોજ બપોરે 12.00 કલાકે, સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ News24 ચેનલના લોગોવાળો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. News24 ચેનલના લોગોનો દૂરપયોગ કરીને કોઈ ઠગબાજો દ્વારા આ પ્રકારે ખોટી માહિતી લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલ્પેશ ઠાકોરને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો...? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: Altered