શું અયોધ્યામાં રામની મૂર્તિ જોઈને આ ફોટોગ્રાફરને હર્ષના આંસુ આવી ગયા…? જાણો શું છે સત્ય….
આ તસવીર અયોધ્યાની નથી પરંતુ પાંચ વર્ષ પહેલા UAEમાં રમાયેલી ફૂટબોલ મેચની છે.
હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જે ફોટો આંસુવાળા ફોટોગ્રાફરનો ફોટો શેર કરતા દાવો કરવામાં આવ્યો છે કે અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન રામની મૂર્તિ જોઈને ફોટોગ્રાફર એટલો ભાવુક થઈ ગયો કે તેની આંખોમાંથી આંસુ આવી ગયા.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 25 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન રામની મૂર્તિ જોઈને ફોટોગ્રાફર એટલો ભાવુક થઈ ગયો કે તેની આંખોમાંથી આંસુ આવી ગયા.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌથી પહેલા વાયરલ ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ખબર પડે છે કે આ ફોટોગ્રાફરની આંખોમાં આંસુ સાથેનો ફોટો 2019નો છે. આ ફોટામાં દેખાતા ફોટોગ્રાફરનું નામ મોહમ્મદ અલ-અઝાવી છે. તે ઈરાકનો નાગરિક છે.
AFC એશિયન કપ 2019 ફૂટબોલ ટુર્નામેન્ટ જાન્યુઆરી 2019 માં UAE માં યોજાઈ હતી. જેમાં 22 જાન્યુઆરીએ ઈરાક અને કતાર વચ્ચે મેચ રમાઈ હતી. કતાર આ મેચ 1-0થી જીતી ગયું હતું. મેચ દરમિયાન ફોટોગ્રાફર મોહમ્મદ અલ-અઝાવી મેદાન પર હાજર હતા.
કતાર દ્વારા ઈરાકી ટીમની હાર જોઈને ફોટોગ્રાફર મોહમ્મદ રડી પડ્યો હતો. તેમની આ તસવીર તે સમયે ખૂબ ફેમસ થઈ હતી. આ ફોટો 24 જાન્યુઆરી 2019 ના રોજ એશિયન કપના સત્તાવાર એકાઉન્ટ દ્વારા પણ શેર કરવામાં આવ્યો હતો.
16 રાઉન્ડમાં ઈરાકની હાર બાદ ઈરાકી ફોટોગ્રાફર ભાવુક થઈ ગયા હતા, એમ ટ્વીટમાં જણાવાયું હતું. તેમજ ફૂટબોલ ટ્વીટ નામના એકાઉન્ટ પરથી આ ફોટોગ્રાફરની અન્ય તસવીરો પણ શેર કરવામાં આવી હતી. તમે તેને નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કે, પાંચ વર્ષ પહેલાનો એક અસંબંધિત ફોટો અયોધ્યા રામ મંદિર સાથે જોડવામાં આવી રહ્યો છે. લાગણીશીલ ઈરાકી ફોટોગ્રાફરનો આ ફોટો 2019 ફૂટબોલ જનરલ દરમિયાનનો છે. કતાર દ્વારા ઈરાકી ટીમને હરાવ્યા બાદ ફોટોગ્રાફર મોહમ્મદ અલ-અઝાવી રડી પડ્યા હતા.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું અયોધ્યામાં રામની મૂર્તિ જોઈને આ ફોટોગ્રાફરને હર્ષના આંસુ આવી ગયા…? જાણો શું છે સત્ય....
Written By: Frany KariaResult: False