
Siddharth buddhdev નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘જે લોકો મોરબી અથવા કચ્છ જતા હોય તો મોરબી ગામ મા થી થઈ ની નીકળી જાજો આ મોરબી બાય પાસ પાસે નો પુલ ટુટી ગિયો છે Rto પાસે મચ્છુ ડેમ નો પુલ અને જો તિયાં થી અનુકૂળ નો આવે તો બાયપાસ થી જે ફાટક આવે તિયાં થી પીપળીયા ચાર રસ્તા થઈ ને કચ્છ બાજુ નીકળી જવું માળિયા ગામ થઈ ને પણ કોક ને પૂછી ને જાજો પુલ ઉપર ભરેલ કે ખાલી વાહન નો લઈ જતા ખોટો જોખમ નો લેતા કોઈ’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 84 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 161 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મોરબી પાસે આવેલી મચ્છુ નદી પર આવેલો જે બ્રિજ છે તે જર્જરીત થયો હતો અને ત્યાંનો આ વિડિયો છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર ‘મચ્છુ નદી પરનો બ્રિજ જર્જરીત હાલતમાં’ લખતા કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પોસ્ટમાં કરાવામાં આવેલા દાવા પ્રમાણે બ્રિજ અંગેની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને મોરબી જિલ્લા ક્લેક્ટર આર.જે.માંકડિયા સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ બ્રિજ મોરબી જિલ્લામાં જર્જિરત થયો નથી અને લોકોને વિંનતી છે કે, આ પ્રકારની અફવાઓથી દૂર રહે.”

ઉપરોક્ત પડતાલ પરથી એ સાબિત થઈ ગયુ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મોરબી જિલ્લાનો તો નથી. તો પછી આ વિડિયો ક્યાનો છે તે જાણવુ જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી આગળ વધારી હતી. સ્થાનિક પત્રકારો સાથે વાત કરતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ વિડિયો વિજાપુર પાસેનો છે. તેથી અમે વિજાપુર મામલતદાર જી.કે.પટેલ જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, ‘આ વિડિયો હિંમતનગર-વિજાપુર હાઈ-વેનો છે. જે-તે સમયે આ બ્રિજનો એક ભાગ જર્જરિત થયો હતો. પરંતુ આર&બીના અધિકારીઓ દ્વારા યુધ્ધના ધોરણે આ બ્રિજને રિપેર કરવામાં આવ્યો હતો.’

ત્યારબાદ અન્ય સ્થાનિક પત્રકારોની મદદથી આ બ્રિજને રિપેર કરતા વિડિયો પણ અમને મળ્યા હતા. જે આપ નીચે જોઈ શકો છો.
આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મોરબી જિલ્લાનો નહિં પરંતુ હિંમતનગર-વિજાપુર હાઈ-વે પરનો છે. જે જર્જરિત થતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તેને રિપેર કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મોરબી જિલ્લાનો નહિં પરંતુ હિંમતનગર-વિજાપુર હાઈ-વે પરનો છે. જે જર્જરિત થતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તેને રિપેર કરવામાં આવ્યો હતો.

Title:શું ખરેખર મોરબી પાસેની મચ્છુ નદી પરનો બ્રિજ જર્જરીત થયો છે….? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
