શું ખરેખર નરેન્દ્ર મોદીના ભાઈએ કહ્યું કે, અમે રાજપૂત કૂળના સંતાન છીએ...! જાણો શું છે સત્ય...
News18 Gujarati નામના એક ફેસબુક પેજ દ્વારા 24 એપ્રિલ, 2019 ના રોજ એક આર્ટિકલ મૂકવામાં આવ્યો હતો. આ આર્ટિકલના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીના નેતૃત્વના ગુણ વિશે નાનાભાઈએ કહ્યુ- 'અમે રાજપૂત કૂળના સંતાનો છીએ' અભિનેતા અક્ષયકુમાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું જેમાં પ્રધાનમંત્રી મોદીએ પોતાના અંગત જીવનના અનેક પાસાઓ અંગે વાત કરી હતી. ત્યાર બાદ ન્યૂઝ 18 ગુજરાતી ન્યૂઝ ચેનલ દ્વારા મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીનું ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યું ત્યારે તેમણે ઉપરની પોસ્ટમાં કરાયેલા દાવા પ્રમાણે અમે રાજવી પરિવારના રાજપૂત કૂળના સંતાનો છીએ એવું કહ્યું હતું. News18 Gujarati નામના ફેસબુક પેજ પર કરવામાં આવેલી આ પોસ્ટને 661 લોકોએ લાઈક કરી હતી, 161 લોકોએ પોતાના અભિપ્રાય જણાવ્યા હતા તેમજ 135 જેટલા લોકો દ્વારા આ પોસ્ટને શેર પણ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.
સંશોધન
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટની સત્યતા જાણવા માટે અમે સૌપ્રથમ ગુગલનો સહારો લીધો અને અમે રાજપૂત કૂળના સંતાનો છીએ સર્ચ કરતા અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.
ઉપરોક્ત પરિણામોમાં અમને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા 24 એપ્રિલ 2019 ના રોજ નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીના એક ઈન્ટરવ્યૂનો વીડિયો પ્રાપ્ત થયો. જેમાં પત્રકાર પ્રહલાદભાઈને જ્યારે એવું પૂછે છે કે, નરેન્દ્રભાઈમાં નેતૃત્વના ગુણ હોવા અંગે શું કહેશો? ત્યારે તે જવાબમાં એવું જણાવે છે કે, દરેક સમાજને તેના બારોટ હોય છે. અમારા બારોટ નાંદેડમાં આજે પણ છે. તેમના ચોપડાની અંદર પેઢીનામામાં સ્પષ્ટ લખ્યું છે કે અમે રાજવી પરિવારના રાજપૂત કૂળના સંતાનો છીએ. આમ, આ વીડિયોમાં પ્રહલાદભાઈએ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે જ કહ્યું છે જે સત્ય છે. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો. નીચેના વીડિયોમાં 4.46 મિનિટથી 5.26 મિનિટ સુધી તમે પોસ્ટમાં કરવામાં આવેલ દાવા મુજબની માહિતી જોઈ શકો છો.
પરિણામ:
આમ, અમારા તમામ સંશોધન બાદ અમે એ પરિણામ પર પહોંચ્યા છીએ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અમે રાજપૂત કૂળના સંતાન છીએ એવું નરેન્દ્ર મોદીના નાનાભાઈએ કહ્યું એ દાવો સાચો સાબિત થાય છે.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:શું ખરેખર નરેન્દ્ર મોદીના ભાઈએ કહ્યું કે, અમે રાજપૂત કૂળના સંતાન છીએ...! જાણો શું છે સત્ય...
Fact Check By: Dhiraj VyasResult: True