શું ખરેખર મુસ્લિમ યુવાન દ્વારા અમદાવાદની યુવતીની છેડતી કરવામાં આવી હતી…? જાણો શું છે સત્ય….

Communal False રાષ્ટ્રીય I National

આ ઘટનામાં કોઈ કોમ્યુનલ એંગલ નથી, આ યુવાનનું નામ વિજય નટવરભાઈ છે અને તે હિન્દુ જ છે. જેની સામે પોસ્કો હેઠળ ગુનો નોંધી સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

અમદાવાદના ભુલાભાઇ પાર્ક પાસે વિદ્યાર્થિનીની છેડતી કરવી એક રોમિયોને ભારે પડી છે. સ્થાનિકોએ રસ્તે જતી વિદ્યાર્થિનીની છેડતી કરનાર યુવકને પકડીને બરાબરનો ધોઈ નાંખ્યો હતો.વિદ્યાર્થિનીએ પણ પટ્ટા વડે આવારા રોમિયોને માર માર્યો હતો. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુસ્લિમ યુવાન દ્વારા યુવતીની છેડતી કરવામાં આવી હતી જેનો આ વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Deepak Vyas નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 જૂન 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મુસ્લિમ યુવાન દ્વારા યુવતીની છેડતી કરવામાં આવી હતી જેનો આ વીડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ગુજરાત સમાચાર દ્વારા પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “જે યુવકે છેડતી કરી છે તેની પોલીસે અટકાયત કરી અને કાર્યવાહી શરૂ કરી હતી, આ યુવકનુ નામ વિજય સરકરે છે અને તે ભુલાભાઈ પાર્ક પાસે જ રહે છે.

ગુજરાત સમાચાર | સંગ્રહ

તેમજ વધુ સર્ચ કરતા અમને દિવ્યભાસ્કરનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ અંગે કાગડાપીઠ પોલીસે છેડતીની ફરિયાદ કરી છે. જે વિદ્યાર્થીની છેડતી કરી છે તે સગીરા છે. જેથી વિદ્યાર્થિનીની માતાએ આ અંગે છેડતી અને પોસ્કો એક્ટ મુજબ ફરિયાદ નોધાવી છે. ફરિયાદ મુજબ આરોપી વિજયે ગઈકાલે વિદ્યાર્થિનીને ગિફ્ટ આપી હતી. આરોપીએ વિદ્યાર્થિનીને જાહેરમાં ‘આઈ લવ યુ’ કહીને શારીરિક અડપલાં પણ કર્યા હતા. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.” 

Divyabhaskar | Archive

તેમજ આ ક્લુના આધારે અમે સર્ચ કરતા અમને કાગડાપીઠ પોલીસ દ્વારા દાખલ કરાયેલ ફરિયાદ મળી આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. જેમાં પણ આરોપીનું નામ વિજય નટવરભાઈ છે. જે નાળા રોડ અમદાવાદનો રહેવાસી છે.

fir

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના આ કેસના ઇન્વેસ્ટીગેશન ઓફિસર પીએસઆઈ હરપાલસિંહ ઝાલાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ ઘટનામાં કોઈ કોમ્યુનલ એંગલ નથી, આરોપી હિન્દુ છે. તેમજ આ યુવતીની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમે આરોપી વિરૂદ્ધ પોસ્કો હેઠળ ગુનો દાખલ કરી અને સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો છે.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ઘટનામાં કોઈ કોમ્યુનલ એંગલ નથી, આ યુવાનનું નામ વિજય નટવરભાઈ છે અને તે હિન્દુ જ છે. જેની સામે પોસ્કો હેઠળ ગુનો નોંધી સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર મુસ્લિમ યુવાન દ્વારા અમદાવાદની યુવતીની છેડતી કરવામાં આવી હતી…? જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: False