
Chowkidar Nick Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા I Support Namo નામના પેજ પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી. “मित्रों यह वीडियो देखिए एक गांव में रात्रि में राहुल गांधी को बीजेपी की मोदी सेना ने किस प्रकार भगाया बहुत शानदार वीडियो जरूर देखें” શીર્ષક સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 126 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા, 9 લોકોએ તેમના પ્રતિભાવ પણ આપ્યા હતા, તેમજ 103 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી હતી, તેથી અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી, જો રાહુલ ગાંધીનો આ પ્રકારે વિરોધ થયો હોય તો તે ખૂબ મોટા સમાચાર હતા, પરંતુ આ પ્રકારના સમાચાર એક પણ સમાચાર પત્રમાં, ન્યુઝ ચેનલમાં આવ્યા ન હતા.
ત્યાર બાદ અમને એ જાણવા મળ્યું હતું કે, પ્રોટોકલ મુજબ રાહુલ ગાંધીને ઝેડ+ સિક્યુરિટી આપવામાં આવી છે, અને ઉપરોક્ત વીડિયોમાં દેખાતી વ્યક્તિ સાથે કોઈ પણ સિક્યુરિટી જોવા મળતી નથી. રાહુલ ગાંધીના તેમની સિક્યુરિટી સાથેના ફોટો આપ નીચે જોઈ શકો છો.

ત્યાર બાદ ઉપરોકત પોસ્ટમાં દર્શાવવામાં આવેલા વીડિયોને ઘ્યાનથી જોતાં અમને ઉપરોક્ત વીડિયોમાં દેખાતી ગાડીનો નંબર મળ્યો હતો, RJ14UJ8991 નંબરની દેખાતી ગાડી કોની છે, તે જાણવા અમે RTOની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી, ત્યાંથી અમને ગાડીના માલિકનું નામ મળ્યું હતું.

ઉપરોકત વેબસાઈટની મદદથી અમને એ જાણવા મળ્યું હતું કે, આ ગાડી મહેશ મોરડિયા નામના વ્યક્તિની છે. તેથી અમે રાજસ્થાન કોંગ્રેસમાં મહેશ મોરડિયા નામના કોઈ વ્યક્તિ છે કે નહિ તે જાણવા પ્રયત્ન કર્યો હતો, રાજસ્થાન કોંગ્રેસમાં મહેશ મોરડિયા નામના વ્યક્તિ છે અને તે ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના પૂર્વ જનરલ સેક્રેટરી હોવાનું જાણવા મળ્યું હતું.

બાદમાં અમે મહેશ મોરડિયાનો સંપર્ક સાધ્યો હતો અને તેમને ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા વીડિયો અંગે પૂછતા તેમણે અમને જણાવ્યું હતું કે, “ઉપરોક્ત વીડિયોમાં મારો જ વિરોધ કરવામાં આવ્યો હતો, અમે લોકસભા 2019ના જોધપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વૈભવ ગેહલોતજી માટે પ્રચાર કરવા ગયા હતા ત્યારે અમુક લોકો દ્વારા અમારો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ અમારી સાથે રાહુલ ગાંધી હોવાની વાત સાવ ખોટી છે.”

બાદમાં આ ઘટનાની સાબિતી આપતા વધુ વીડીયો અને ફોટો પણ મહેશ મોરડિયા દ્વારા અમને મોકલવામાં આવ્યા હતા, જે આપ નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, ઉપરોક્ત વીડિયોમાં રાહુલ ગાંધીનો નહિં, પરંતુ ઓલ ઈન્ડિયા યૂથ કોંગ્રેસના પૂર્વ જનરલ સેક્રેટરી મહેશ મોરડિયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર રાહુલ ગાંધીનો રાજસ્થાનના ગામડાઓમાં વિરોધ કરવામાં આવ્યો…?
Fact Check By: Frany KariaResult: False
