મંદીના કારણે હેરાન થયેલા હીરાના વેપારીઓ શેરીઓમાં હીરા ફેંકી રહ્યા હોવાના દાવાઓ ભ્રામક છે. રસ્તા પર નકલી હીરા પડેલા હતા. જેને લઈને કોઈએ બજારમાં ખોટા સમાચાર ફેલાવ્યા હતા.

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં લોકોનું એક જૂથ રસ્તા પર કંઈક ભેગું કરતું જોવા મળે છે. વાયરલ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતમાં હીરા બજારમાં ભારે મંદીથી પરેશાન હીરાના વેપારીઓએ રસ્તા પર હીરા ફેંકી દીધા હતા.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Paresh Gegadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 સપ્ટેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સુરતમાં હીરા બજારમાં ભારે મંદીથી પરેશાન હીરાના વેપારીઓએ રસ્તા પર હીરા ફેંકી દીધા હતા.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
તપાસની શરૂઆતમાં, અમે વાયરલ વીડિયો વિશે જાણવા માટે અલગ-અલગ કીવર્ડનો ઉપયોગ કર્યો હતો. પરિણામે, અમને આજતકની વેબસાઇટ પર વાયરલ વીડિયોના સમાચાર મળ્યા. 24 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રસિદ્ધ થયેલા આ સમાચાર મુજબ હીરાની નગરી હોવાના કારણે શહેરના મહિધરપુરા અને વરાછા વિસ્તારમાં શાકભાજી માર્કેટની જેમ હીરા બજાર ઉભું કરવામાં આવ્યું છે. લોકો રસ્તાઓ અને ફૂટપાથ પર બેસીને હીરાની ખરીદી અને વેચાણ કરે છે.

વધુ તપાસમાં અમને જનસત્તામાંથી એક સમાચાર મળ્યા. જે મુજબ સુરતના મહિધરપુરા અને વરાછા વિસ્તારમાં હીરા બજારનું આયોજન કરાયું છે. અહીં લોકો શાકભાજીની જેમ રોડ કિનારે હીરાની ખરીદી અને વેચાણ કરે છે. સામાન્ય લોકો પણ અવરજવર માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. દરમિયાન બજારમાં એક જગ્યાએ હીરા પડ્યા હોવાના સમાચાર ફેલાઈ ગયા હતા. આ પછી, મોટી સંખ્યામાં લોકો હીરા લેવા માટે આવ્યા હતા.
જો કે, જ્યારે આ હીરા વિશે સત્ય સામે આવ્યું ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. છેતરાયાનો અહેસાસ થવા લાગ્યો. જ્યારે ઉપાડેલા હીરાની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે ન તો ખનન કરવામાં આવ્યા હતા અને ન તો લેબમાં તૈયાર કરવામાં આવ્યા હતા, બલ્કે તે અમેરિકન હીરા હતા, જેની બજારમાં ઊંચી કિંમત નથી.
હિંદુસ્તાન પેજ પર પ્રકાશિત સમાચાર અનુસાર, રસ્તા પર હીરાની શોધ કરનારા લોકોમાંના એક અરવિંદ પાનસેરિયાએ જણાવ્યું હતું કે એક વ્યક્તિને હીરા મળી આવ્યા હતા પરંતુ તે ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું છે. વાસ્તવમાં તે અમેરિકન ડાયમંડ હતો જેનો ઉપયોગ ઈમિટેશન જ્વેલરી અથવા સાડીના કામમાં થાય છે.
સમગ્ર ઘટનાને જોતા એવું લાગે છે કે કોઈએ કોઈ મોટું દુષ્કર્મ કર્યું છે. લોકો આ વાત સમજી ન શક્યા અને હીરા શોધવા લાગ્યા. આ ઘટના 24 સપ્ટેમ્બરે બની હોવાનું કહેવાય છે.
આ સમાચાર ઘણા મીડિયા સંસ્થાઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે. જે અહીં, અહીં અને અહીં જોઈ શકાય છે. પ્રસિદ્ધ થયેલા સમાચારોમાં ક્યાંય પણ બજારમાં તીવ્ર મંદીને કારણે હીરાના વેપારીઓએ તેમના હીરા રસ્તા પર ફેંક્યા હોવાનો ઉલ્લેખ નથી. તેથી તે સ્પષ્ટ થાય છે કે વાયરલ દાવો ભ્રામક છે.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત બનાવવા અમે સુરતના સ્થાનિક રિપોર્ટર દેવેન ચિત્તેનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “કોઈ શખ્સ દ્વારા આ પ્રકારે હીરા ફેકવામાં આવ્યા હોવાની વાત ઉડાવવામાં આવી હતી. એક પ્રકારે અફવા ફેલાવવામાં આવી હતી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયો સાથેની માહિતી તદ્દન ખોટી છે. મંદીના કારણે હેરાન થયેલા હીરાના વેપારીઓ શેરીઓમાં હીરા ફેંકી રહ્યા હોવાના દાવાઓ ભ્રામક છે. રસ્તા પર નકલી હીરા પડેલા હતા. જેને લઈને કોઈએ બજારમાં ખોટા સમાચાર ફેલાવ્યા હતા.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર હીરાના ભાવ ઘટતા સુરતમાં વેપારીએ રસ્તામાં હીરાનો વરસાદ કર્યો..? જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: Misleading
