શું ખરેખર હાથલા થોરના જ્યૂસથી 60 દિવસમાં મટી જાય છે બ્લડ કેન્સર…? જાણો શું છે સત્ય…

False તબીબી I Medical સામાજિક I Social

‎‎‎ Ramesh Sagar‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 12 ઓકટોમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હાથલા થોરનું જયૂસ 60 દિવસ નિયમિત પીવાથી બ્લડ કેન્સર મટે છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, હાથલા થોરના જ્યૂસના નિયમિત 60 દિવસના સેવનથી બ્લડ કેન્સર મટી જાય છે. આ પોસ્ટને 2300 થી વધુ લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 148 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 17000 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Video Archive

સંશોધન 

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર થોરના ફીંડલાનો જ્યૂસ નિયમિત 60 દિવસ પીવાથી બ્લડ કેન્સર મટી જાય છે? એ જાણવા સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ થોરના ફીંડલાના જ્યૂસના સેવનથી મટી જાય છે બ્લડ કેન્સર સર્ચ કરતાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે કોઈ જ પરિણામ પ્રાપ્ત થયા ન હતા.

તેથી અમે અમારી તપાસને આગળ વધારી હતી અને પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ વીડિયોમાં પણ ક્યાંય થોરના ફીંડલાના જ્યૂસનું નિયમિત 60 દિવસ સેવન કરવાથી બ્લડ કેન્સર મટી જાય છે એવી માહિતી જોવા મળી ન હતી. ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે પોસ્ટમાં વીડિયોમાં દેખાતા વ્યક્તિ વી.ડી.બાલા સાથે સીધી જ આ પોસ્ટ સાથે મૂકવામાં આવેલી માહિતી અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “થોરના ફીંડલામાંથી જ્યૂસ બનાવવાની શરૂઆત લગભગ 2011 માં કરી હતી. આ જ્યૂસથી હિમોગ્લોબિનમાં ચોક્કસ વધારો થાય છે. તેમજ લીવર, પેટના રોગોમાં આ જ્યૂસ અસરકારક છે. સોશિયલ મીડિયા પર થોરના ફીંડલાનો જ્યૂસ નિયમિત 60 દિવસ પીવાથી બ્લડ કેન્સ મટી જાય છે એ વાત તદ્દન ખોટી છે. મેં મારા વીડિયોમાં પણ ક્યાંય આનો ઉલ્લેખ નથી કર્યો. કેટલાક ઠગબાજો દ્વારા મારા વીડિયો સાથે આ પ્રકારનું ખોટું લખાણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યું છે જે ખોટું છે.” 

વધુમાં તેઓએ અમને જણાવ્યું હતું કે, વર્ષ 2011 માં અમે આ થોરના ફીંડલાનો જ્યૂસ બનાવવાની શરૂઆત કરી હતી. જેના પગલે આસપાસના ગામડાંની મહિલાઓને રોજગારી પણ મળી રહે છે. તેમજ આ જ્યૂસ હિમોગ્લોબિનમાં વધારો કરે છે, લીવર માટે ફાયદાકારક છે તેમજ ઘણી જગ્યાએ નો સ્વાગત પીણા તરીકે પણ લોકો ઉપયોગ કરે છે. તેમણે અમને તેમના નવરંગ નેચર ક્લબ, રાજકોટ દ્વારા ચાલતી આ પ્રવૃત્તિનું બ્રોસર પણ મોકલી આપ્યું હતું. જેમાં પણ થોરના ફીંડલાના જ્યૂના સેવનથી બ્લડ કેન્સર મટી જાય છે એવો ક્યાંય પણ ઉલ્લેખ કરેલો નથી. જે તમે નીચે જોઈ શકો છો.

ત્યાર બાદ અમે આયુર્વેદના જાણીતા નિષ્ણાત ડૉ. રાકેશ પ્રજાપતિનો સંપર્ક કરીને આ માહિતી અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “થોરના ફીંડલાના નિયમિત 60 દિવસ સેવનથી બ્લડ કેન્સર મટી જાય એ વાત તદ્દન ખોટી છે. કેટલાક લોકોને આના સેવનથી બ્લડ કેન્સરમાં ફાયદો થયો છે પણ એ મટી જાય એ વાત ખોટી છે. થોરના ફીંડલાનો જ્યૂસ મેં પણ લીધો હતો જેનાથી હિમોગ્લોબિનના પ્રમાણમાં સારો એવો સુધાર આવે છે. વધુમાં આ જ્યૂસના સેવનથી લીવર તેમજ પેટની તકલીફોમાં ફાયદો થાય છે. તેમજ શરીરમાં થતી બળતરા પણ દૂર થાય છે.”

આ તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા થોરના ફીંડલાના જ્યૂસના વીડિયો સાથે બ્લડ કેન્સર મટી જવાનો જે દાવો કરવામાં આવ્યો છે એ તદ્દન ખોટો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ થોરના ફીંડલાના જ્યૂસના નિયમિત 60 દિવસ સેવનથી બ્લડ કેન્સર મટી જાય એ માહિતી તદ્દન ખોટી છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર હાથલા થોરના જ્યૂસથી 60 દિવસમાં મટી જાય છે બ્લડ કેન્સર…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False