
બિહારના દરભંગામાં કોંગ્રેસની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરૂદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરતા એક વ્યક્તિનો વીડિયો તાજેતરમાં વાયરલ થયો હતો.
લોકોના રોષને પગલે, બિહાર પોલીસે દરભંગાના ભાપુરા ગામમાંથી આરોપી, મોહમ્મદ રિઝવી, જેને રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની ધરપકડ કરી.
ધરપકડ પછી તરત જ, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ભાજપ કાર્યકરનો ફોટો શેર કરવાનું શરૂ કર્યું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ તે જ વ્યક્તિ છે જે પીએમ મોદીની માતા સાથે દુર્વ્યવહાર કરતા પકડાયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 29 ઓગસ્ટ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ તે જ વ્યક્તિ છે જે પીએમ મોદીની માતા સાથે દુર્વ્યવહાર કરતા પકડાયો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સફેદ વેસ્ટ પહેરેલો વ્યક્તિ ખરેખર સાચો આરોપી મોહમ્મદ રિઝવી છે, જેની દરભંગામાં ધરપકડ કરવામાં આવી હતી. SDPO-2 સુરેન્દ્ર કુમાર સુમનના જણાવ્યા અનુસાર, રિઝવી પિકઅપ વાન ડ્રાઇવર તરીકે કામ કરે છે અને પંચર રિપેરની દુકાન પણ ચલાવે છે.
ભાજપ કાર્યકર કોણ છે?
રિવર્સ ઇમેજ સર્ચમાં જાણવા મળ્યું કે અન્ય ફોટા મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લાના કોટમાના ભાજપ કાર્યકર નેક મોહમ્મદ રિઝવીના છે. આ છબીઓ મૂળરૂપે તેમણે તેમના ફેસબુક પ્રોફાઇલ પર શેર કરી હતી.

ખોટા દાવા સાથે તેમના ફોટા વાયરલ થયા પછી, નેક મોહમ્મદ રિઝવીએ એક વીડિયો નિવેદન બહાર પાડીને દરભંગા ઘટના સાથે કોઈ સંબંધ નકારી કાઢ્યો.
તેમણે સ્પષ્ટતા કરી, “મારા સોશિયલ મીડિયાના ફોટાનો ખોટા સમાચાર ફેલાવવા માટે દુરૂપયોગ કરવામાં આવ્યો છે. હું તે વ્યક્તિ નથી જેની બિહારમાં પીએમ મોદી અને તેમની માતા વિરૂદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.”
તેમણે તેમના ફોટાનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવનારાઓ સામે અનુપપુરના કોટમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
NDTV સાથે વાત કરતા, તેમણે વધુમાં સ્પષ્ટતા કરી, “મારો બિહાર સાથે કોઈ સંબંધ નથી અને હું ક્યારેય રાજ્યની મુલાકાત લીધી નથી. મેં કોઈને અપશબ્દો બોલ્યા નથી. મોદીજી અમારા નેતા છે. મારા ફોટાનો મને અને ભાજપને બદનામ કરવા માટે દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ પોસ્ટમાં મધ્યપ્રદેશના ભાજપ કાર્યકર નેક મોહમ્મદ રિઝવીને બિહારના દરભંગામાં પીએમ મોદીના દુર્વ્યવહાર કેસ સાથે ખોટી રીતે જોડવામાં આવી રહ્યા છે. ધરપકડ કરાયેલો વ્યક્તિ દરભંગાના મોહમ્મદ રિઝવી છે. તેમના નામોમાં સમાનતા હોવાને કારણે મૂંઝવણ ફેલાઈ હોય તેવું લાગે છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:બિહારમાં પીએમ મોદીના દુર્વ્યવહાર કેસ સાથે મધ્ય પ્રદેશના ભાજપ કાર્યકર નેક મોહમ્મદ રિઝવીને જોડવામાં આવી રહ્યા…
Fact Check By: Frany KariaResult: False


