મણિપુરના બીજેપી નેતા ચિદાનંદ સિંહ અને તેમના પુત્રનો ફોટો ખોટા દાવા સાથે કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
તસવીરમાં દેખાતી વ્યક્તિ મણિપુર બીજેપીના પ્રદેશ ઉપાધ્યક્ષ ચિદાનંદ સિંહ અને તેમના પુત્ર સચીનંદ સિંહ છે. તે મણિપુરની ઘટનામાં આરોપી નથી.
થોડા દિવસો પહેલા મણિપુરમાં હિંસા વચ્ચે ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થયો હતો. તેમાં કેટલાક લોકો એક મહિલાને નગ્ન અવસ્થામાં રસ્તા પર ફેરવી રહ્યા હતા. આ વીડિયોથી દેશના લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. વાયરલ વીડિયોના સંબંધમાં મણિપુરમાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જોડાયેલી એક તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. તેમાં તમે આરએસએસ યુનિફોર્મ પહેરેલા બે લોકોને જોઈ શકો છો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વાયરલ વીડિયોમાં દેખાતા આ બંને આરોપીઓ છે અને આરએસએસના છે.” આ શેર કરતી વખતે લોકો RSS અને BJP પર કટાક્ષ કરી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
પાક્કો આદિવાસી ઉમરપાડા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂલાઈ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેની સાથે લખાણ કરવામાં આવ્યુ હતુ કે, “આ રહ્યાં હિન્દુ ધર્મનાં આરએસએસ નાં મહાયોદ્ધાઓ. અને આદિવાસી સમાજ ના લોકો ને હિન્દુ ધર્મનો રંગ લાગ્યો છે. જાગો આદિવાસી મિત્રો નહિ તો મણિપુર જેવી થવાનું નિશ્ચિત છે.” આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વાયરલ વીડિયોમાં દેખાતા આ બંને આરોપીઓ છે અને આરએસએસના છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને આ તસવીર 17 ઓક્ટોબર 2022ના રોજ ચિદાનંદ સિંહ નામના ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવી હતી. સાથે માહિતી આપવામાં આવી હતી કે, “તેઓ તેમના પુત્ર ચૌધરી સચીનંદ અને પિતરાઈ ભાઈ અશોક સાથે 16 ઓક્ટોબરના રોજ ઈમ્ફાલ જિલ્લામાં RSSના પથ સંચલન કાર્યક્રમમાં હાજર હતા. આ તેની તસવીર છે.”
પથ સંચલન, RSS ઇમ્ફાલ જિલ્લો, આવતીકાલે 16 ઓક્ટોબરે મારા પુત્ર ચૌધરી સચીનંદ અને પિતરાઇ ભાઇ અશોક સાથે.
આના પરથી આપણે સમજીએ છીએ કે આ તસવીર પહેલીવાર વર્ષ 2022માં ઇન્ટરનેટ પર પોસ્ટ કરવામાં આવી હતી. જે બાદ અમે આ ફેસબુક પેજ ચેક કર્યું અને જાણવા મળ્યું કે ચિદાનંદ સિંહ મણિપુર રાજ્ય ભાજપના ઉપાધ્યક્ષ છે. આથી વાયરલ તસવીરમાં બીજેપી નેતા ચિદાનંદ સિંહ અને તેમના પુત્ર સચીનંદ છે.
ત્યારબાદ અમે ચિદાનંદ સિંહનો સંપર્ક કર્યો, જેમણે અમને કહ્યું કે "વાઈરલ દાવો તદ્દન નકલી છે અને આ તસવીર અમારી છબીને બગાડવા માટે શેર કરવામાં આવી રહી છે. વાયરલ તસવીરમાં મારો પુત્ર મારી સાથે હાજર છે. આ તસવીર અમારા દ્વારા ગયા વર્ષે ઓક્ટોબરમાં ઇમ્ફાલમાં RSSના પથ સંચલન કાર્યક્રમ દરમિયાન લેવામાં આવી હતી. મેં આ પોસ્ટ સામે પોલીસ ફરિયાદ પણ કરી છે.”
ગયા વર્ષે ઓક્ટોબરમાં ઇમ્ફાલમાં આરએસએસના પથ સંચલન કાર્યક્રમ દરમિયાન લેવામાં આવેલી તસવીરમાં તેઓ તેમના પુત્ર સાથે જોવા મળે છે. તેઓએ અમને એ પણ જણાવ્યું કે પોલીસ ફરિયાદની વિગતો સાથે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તેમના દ્વારા આ જ સ્પષ્ટતા પોસ્ટ કરવામાં આવી છે. તમે નીચે તેની પોસ્ટ જોઈ શકો છો. આ પોસ્ટમાં તેણે એફઆઈઆરની તસવીર પણ પોસ્ટ કરી છે.
તપાસમાં આગળ વધતા, અમે નોંધ્યું હતુ કે, મણિપુર પોલીસે તેમના ટ્વિટર હેન્ડલ પર માહિતી આપી હતી કે, ભાજપના નેતા અને તેમના પુત્રનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. તેણે સ્પષ્ટતા કરી છે કે આ સમાચાર ખોટા છે અને તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, તસવીરમાં દેખાતી વ્યક્તિ મણિપુર બીજેપીના પ્રદેશ ઉપાધ્યક્ષ ચિદાનંદ સિંહ અને તેમના પુત્ર સચીનંદ સિંહ છે. તે મણિપુરની ઘટનામાં આરોપી નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:મણિપુરના બીજેપી નેતા ચિદાનંદ સિંહ અને તેમના પુત્રનો ફોટો ખોટા દાવા સાથે કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....
Written By: Frany KariaResult: False