તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો છે જેમાં ઈઝરાયલના રાજદૂત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મોકલવામાં આવેલી નોટિસને ફાડી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. એ સમયે ઈઝરાયલના રાજદૂત દ્વારા આ પ્રકારે નોટિસ ફાડવામાં આવી હતી. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 17 ઓક્ટોમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, માનવાધિકારના ઉલ્લંઘન બદલ ઇઝરાયેલને સંયુક્ત રાષ્ટ્રમાં બોલાવવામાં આવ્યું હતું અને તેને 20 પાનાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. ઇઝરાયેલના પ્રતિનિધિઓ 2 મિનિટ માટે મંચ પર આવ્યા અને આવો જવાબ આપી ને રવાના થઈ ગયા...👇. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો છે જેમાં ઈઝરાયલના રાજદૂત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મોકલવામાં આવેલી નોટિસને ફાડી રહ્યા છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો ઑક્ટોબર 30, 2021 ના ​​રોજ, ઇઝરાયેલના રાજદૂત ગિલાડ એર્દાને ટ્વિટર પર અપલોડ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે ટ્વિટમાં એવું લખ્યું છે કે, આજે મેં @UN જનરલ એસેમ્બલીને સંબોધિત કરી અને માનવ અધિકાર પરિષદના વાર્ષિક અહેવાલના પાયાવિહોણા, એકતરફી અને સાવ ખોટા આરોપો સામે સંબોધન કર્યું. આ પછી, અમે નીચે આપેલા કોમેન્ટ વિભાગ પર પણ ધ્યાન આપ્યું જેમાં ગિલાડ એર્દાન દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી. જેના પરથી અમે સમજી ગયા કે, એમ્બેસેડર ગિલાડ એર્દાને સ્ટેજ પર જ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના વાર્ષિક અહેવાલને ફાડી નાખ્યો હતો અને તેને બિનજરૂરી રીતે ઈઝરાયેલની નિંદા કરવા બદલ ઠપકો આપ્યો હતો અને તેને હતાશ કરનાર અને નિરાશાજનક ગણાવ્યો હતો. અને તે જ સમયે, પોડિયમ છોડતા પહેલા, ગિલાડ એર્દાને રિપોર્ટને ફાડી નાખ્યો અને તે રિપોર્ટની જગ્યા ડસ્ટબિનમાં છે એમ કરીને તેને ફેંકી દીધો હતો.

મળેલી માહિતીનો સહારો લઈને અમે રિપોર્ટ્સ શોધવાનું શરૂ કર્યું. જ્યાં અમે 30 ઓક્ટોબર, 2021ના રોજ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલમાં પ્રકાશિત થયેલો અહેવાલ જોયો. આ અહેવાલમાં એવું લખવામાં આવ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયેલના રાજદૂત, ગિલાડ એર્દાને શુક્રવારે યુએન માનવ અધિકાર પરિષદને ઇઝરાયેલની અસંગત નિંદા કરવા બદલ ઠપકો આપ્યો હતો અને સ્ટેજ પર હતા એજ સમયે સંસ્થાના વાર્ષિક અહેવાલને ફાડી નાખ્યો હતો. ઇઝરાયેલી રાજદૂતે, જનરલ એસેમ્બલીમાં ભાષણ આપતાં, કાઉન્સિલે તેનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો તે વિશેષ સત્ર દરમિયાન યુએનએચઆરસીની તેના "ઇઝરાયેલ વિરોધી પૂર્વગ્રહ" માટે ટીકા કરી. એર્દાને દેખીતી રીતે પૃષ્ઠોની માહિતીને ઉખાડી નાખતા પહેલા ફાડી નાખ્યા અને પછી પોડિયમ છોડીને એમ કહીને નીકળ્યા કે, રિપોર્ટ માટેનું એકમાત્ર સ્થાન "યહૂદી વિરોધી કચરાપેટીમાં" હતું.

આ વીડિયો સંબંધિત અન્ય અહેવાલો તમે જેરુસલેમ પોસ્ટ, પ્રેસ ટીવી અને પેલેસ્ટાઈન ક્રોનિકલમાં પણ જોઈ શકાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. એ સમયે ઈઝરાયલના રાજદૂત દ્વારા આ પ્રકારે નોટિસ ફાડવામાં આવી હતી. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો ઈઝરાયલના રાજદૂત દ્વારા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મોકલવામાં આવેલી નોટિસને ફાડવાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: False