
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધસમસતા પાણીમાં ધરાશાયી થયેલા એક પુલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં આસામ ખાતેના પુરમાં ધરાશાયી થયેલા પુલનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ધસમસતા પાણીમાં ધરાશાયી થયેલા પુલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ ઈન્ડોનેશિયામાં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
ગુજરાત વેધર સર્વિસ નામના ફેસબુક પેજ દ્વારા 17 મે, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આસામ મા ભારે વરસાદના કારણે આખો લોખંડ નો પુલ પાણીમાં તણાયો હવામાન ને લગતા સમાચાર માટે ફોલો કરવા વિનંતિ . પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં આસામ ખાતેના પુરમાં ધરાશાયી થયેલા પુલનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 5 એપ્રિલ, 2021 ના રોજ Meteored નામની યુટ્યુબ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ઈન્ડોનેશિયા અને પૂર્વી તિમોર ખાતે ભયાનક પૂરનો આ વીડિયો છે.
અમારી વધુ તપાસમાં અમને આજ સમાચાર LatesLY દ્વારા પણ તેના સત્તાવાર યુટ્યુબ પર 5 એપ્રિલ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં પણ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોના દ્રશ્યો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટના ઈન્ડોનેશિયા ખાતે બની છે.
અમારી વધુ તપાસમાં અમને UNTV News and Rescue દ્વારા પણ 6 એપ્રિલ, 2021 ના રોજ આજ વીડિયો સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં પણ આ વીડિયો ઈન્ડોનેશિયા ખાતે આવેલા ભયાનક પૂરનો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ વીડિયોમાં તમે 1.00 મિનિટ પછી પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને તમે જોઈ શકો છો.
વધુમાં અમને SBS News દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર પણ આ વીડિયો 5 એપ્રિલ, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તેમાં પણ આ વીડિયો ઈન્ડોનેશિયાના તિમોરનો હોવાનું જણાવવામાં આવ્યું છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ધસમસતા પાણીમાં ધરાશાયી થયેલા પુલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ ઈન્ડોનેશિયામાં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો આસામમાં ધરાશાયી થયેલા પુલનો છે…?
Fact Check By: Vikas VyasResult: False
