જાણો હરિદ્વાર ખાતે મુસ્લિમ વ્યક્તિ દ્વારા ખાવામાં નોનવેજ ભેળવવામાં આવતું હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હરિદ્વારના ગંગા ઘાટના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિદ્વારની હર કી પૌડી ખાતે હોટલમાં મુસ્લિમ વ્યક્તિ દ્વારા હિંદુ યાત્રિકોના ખાવામાં નોનવેજ ભેળવવામાં આવી રહ્યું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે દાવો કરવામાં આવી રહ્યો છે તેનું હર કી પૌડી પોલીસ દ્વારા ખંડન કરવામાં આવ્યું છે. આ વીડિયોને ખાવામાં નોનવેજ ભેળવવા સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Piyushbhai Pansuriya નામના ફેસબુક યુઝર દ્વારા 23 મે, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હરિદ્વાર જતા ભાઈઓને નમ્ર વિનંતી કે ગંગા ના ઘાટ ઉપર હરકી પૌડી પર ઉપલી હોટલમાં ભોજન નાસ્તા ન કરે ભગવા કપડાં પહેરી કેટલીક મુસ્લિમ હોટલો છે જેમાં સબ્જીમાં ગૌ માંસ અને દાળમાં ગાયનું લોહી ભેળવે છે આપણા હિન્દુ ધર્મને નષ્ટ કરવા જય ગુરુદેવ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિદ્વારની હર કી પૌડી ખાતે હોટલમાં મુસ્લિમ વ્યક્તિ દ્વારા હિંદુ યાત્રિકોના ખાવામાં નોનવેજ ભેળવવામાં આવી રહ્યું છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર HARI TV દ્વારા 9 મે, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સંપૂર્ણ સમાચારને ધ્યાનથી સાંભળતાં અમને એ જાણવા મળ્યું હતું કે, ઉત્તરાખંડના ધાર્મિક શહેર હરિદ્વારની હર કી પૌડી નામના વિસ્તારમાં મોહમ્મદ મુનીર નામનો એક મુસ્લિમ વ્યક્તિ તેની ઓળખ છુપાવીને ચુન્નુના નામથી હોટલ ચલાવતો હતો. વધુમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, આ વિસ્તારના ગંગા સભાના પદાધિકારી ઉજ્જવલ પંડિત દ્વારા આ મુસ્લિમ વ્યક્તિને પકડીને પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. જોકે, આ વિસ્તારમાં ગેરહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. 

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. indiatv.in | navbharattimes.indiatimes.com 

ઉપરોક્ત તમામ સમાચારોમાં અમને ક્યાંય પણ મુસ્લિમ વ્યક્તિ દ્વારા ખાવામાં ગૌમાંસ કે ગાયનું લોહી ભેળવવામાં આવતું હોવાની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી. વધુમાં સમાચારમાં આપવામાં આવેલી માહિતી મુજબ પોલીસ અધિક્ષક સ્વતંત્ર કુમારે જણાવ્યું હતું કે, પકડવામાં આવેલ મુસ્લિમ વ્યક્તિ હિરાસતમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીના આધારકાર્ડ પરથી જાણવા મળ્યું હતું કે, એ ઉત્તરપ્રદેશના મઉનો રહેવાસી છે.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે હરિદ્વારની હર કી પૌડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં અમને પોલીસ સ્ટેશનના SI મનોજે જણાવ્યું હતું કે, “હર કી પૌડી ખાતે એક મુસ્લિમ યુવકને ભોજનાલય ચલાવતો પકડવામાં આવ્યો છે. પરંતુ એ વ્યક્તિ દ્વારા ખાવામાં ગૌમાંસ કે ગાયનું લોહી ભેળવવામાં આતું હોવાની માહિતી તદ્દન ખોટી છે. લોકોને અફવાઓથી સાવધ રહેવા પણ તેઓએ જણાવ્યું હતું.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે દાવો કરવામાં આવી રહ્યો છે તેનું હર કી પૌડી પોલીસ દ્વારા ખંડન કરવામાં આવ્યું છે. આ વીડિયોને ખાવામાં નોનવેજ ભેળવવા સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો હરિદ્વાર ખાતે મુસ્લિમ વ્યક્તિ દ્વારા ખાવામાં નોનવેજ ભેળવવામાં આવતું હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas 

Result: False