બસમાં ડ્રાઈવર સીટ પર બેસવાની જીદ કરી રહેલી મહિલાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બસની ડ્રાઈવર સીટ બેસવાની જીદ કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બસમાં ડ્રાઈવર સીટ પર બેસવાની જીદ કરી રહેલી મહિલાનો આ વીડિયો વાસ્તવિક ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bharat Venziya નામના ફેસબુક પેજ દ્વારા 15 માર્ચ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, એક મહિલા અને તેની વહુ રાજસ્થાનમાં ભીડભાડવાળી બસમાં ચઢી. માતાને બેઠક મળે છે. વહુ પણ એકની શોધ કરે છે, ડ્રાઈવરની સીટ ખાલી જુએ છે અને તેના પર કબજો કરે છે. જ્યારે ડ્રાઈવર આવે છે અને મહિલાને તેની સીટ ખાલી કરવા કહે છે, ત્યારે તે તેને પાછળ જઈને જ્યાં પણ બેસવાનું કહે છે. જ્યારે તે કહે છે, તેને બસ ચલાવવાની છે, ત્યારે તેણી તેને બીજી કોઈ સીટ પરથી ચલાવવાનું કહે છે. તેણીના સાસુ પણ તેણીને ટેકો આપે છે.. વાસ્તવિક ઘટના ઝડપાઈ. . પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બસમાં ડ્રાઈવર સીટ પર બેસવાની જીદ કરી રહેલી મહિલાનો આ વીડિયો વાસ્તવિક ઘટનાનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો જુલાઈ 2020 માં એક ફેસબુક પેજ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

Archive

આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોના અંતમાં ડ્રાઇવર અને મહિલા ઝપાઝપી પછી એક સાથે તસવીર માટે પોઝ આપતા જોઈ શકાય છે. તેમજ વીડિયોમાં એક પુરુષનો અવાજ પણ સંભળાય છે, જે તસવીર માટે પોઝ આપવાનું કહી રહ્યો છે.

જેના પરથી એવું અનુમાન લગાવી શકાય છે કે, વાયરલ વીડિયો સ્ક્રિપ્ટેડ હોઈ શકે છે.

વધુ માહિતી માટે અમે જુદા-જુદા કીવર્ડ્સ સાથે સર્ચ કરતાં અમને એક YouTube ચેનલ પર મૂળ વીડિયો પ્રાપ્ત થયો હતો.

આ ચેનલ પર સંપૂર્ણ વીડિયો જોઈ શકાય છે. વીડિયોના શીર્ષકમાં એવું લખ્યું છે કે, ગાંવ કી લુગાઈ મચાયો શહેર મેં રોલોવ !! હેમા પ્રજાપત || મારવાડી કોમેડી

ઓરિજીનલ વીડિયોમાં મહિલા પહેલા બસમાં ચઢે છે અને સીટ શોધવાનો પ્રયાસ કરે છે. ત્યારે બસમાં સવાર અન્ય એક મહિલા તેને કહે છે કે, માત્ર ડ્રાઈવરની સીટ ખાલી છે. જ્યારે ડ્રાઈવર દુકાન પર ચા પીતો જોઈ શકાય છે. ત્યાર પછીથી વાયરલ વીડિયો જોઈ શકાય છે.

આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે એવું ચેનલ પર ક્યાંય લખેલું નથી. ત્યાર બાદ અમે ચેનલના શીર્ષકમાં હેમા પ્રજાપત લખેલું નામ લખીને યુટ્યુબ પર સર્ચ કર્યું ત્યારે અમને યુટ્યુબ પર આવા ઘણા વીડિયો જોવા મળ્યા જે વાયરલ વીડિયોમાં ડ્રાઈવરની સીટ પર બેઠેલી મહિલાએ ફિલ્માવ્યા હતા.

આ સિવાય અમને હેમા પ્રજાપતની યુટ્યુબ ચેનલ પણ મળી. જેમાં સ્પષ્ટ લખ્યું છે કે, અમારો ઉદ્દેશ્ય માત્ર યુટ્યુબ દ્વારા મનોરંજન કરવાનો છે, કોઈ જાતિ, ધર્મ અને જૂથને ઠેસ પહોંચાડવાનો નથી. જો આપણે મજાકમાં કોઈ ચોક્કસ જ્ઞાતિને ક્યાંય પણ કંઈક કહીએ, તો કૃપા કરીને ખરાબ ન લગાડશો અને તેને દિલ પર ન લેશો.

જેનો સ્પષ્ટ મતલબ છે કે, તેમના દ્વારા બનાવવામાં આવેલ તમામ વીડિયો મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યા છે. વીડિયોમાં અન્ય મહિલાઓ પણ છે જે ક્યારેક સાસુ-વહુ તો ક્યારેક દેરાણી-જેઠાણી જેવી અલગ-અલગ ભૂમિકાઓ ભજવીને ફની વીડિયો બનાવે છે.

અમે હેમા પ્રજાપતની તસવીર અને વાયરલ વીડિયોમાં દેખાતી મહિલાના ફોટોની સરખામણી કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ બંને એક જ મહિલા છે.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે ફેક્ટ ક્રેસેન્ડોની હિન્દી ટીમ દ્વારા હેમા પ્રજાપતનો ફેસબુક દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે હેમા પ્રજાપતે સ્પષ્ટતા કરી હતી કે, વાયરલ વીડિયો ઓરિજીનલ નથી, તે ફિલ્માવાયેલો છે. આ વીડિયો મનોરંજન માટે બનાવેલો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:બસમાં ડ્રાઈવર સીટ પર બેસવાની જીદ કરી રહેલી મહિલાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False