શું ખરેખર ઓમાનના સુલતાન પર કરવામાં આવ્યો ઘાતકી હુમલો...? જાણો શું છે સત્ય…
Mi Solanki Solanki નામના ફેસબુક યુઝર દ્વારા 15 ડિસેમ્બર,2019 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઓમાન ના સુલતાન પર ઘાતકી હુમલો.. અદ્ભૂત બચાવ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો ઓમાનના સુલતાન પર થયેલા ઘાતકી હુમલાનો છે. આ પોસ્ટને 3 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 30 લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ પ્રકારે ઓમાનના સુલતાન પર હુમલો થયો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ ગુગલનો સહારો લઈ ઓમાનના રાજા કોણ છે? એ જાણવાની કોશિશ કરી હતી. તો અમને વીકિપીડિયા પરથી એ માલૂમ પડ્યું હતું કે, હાલમાં ઓમાનના રાજા કાબૂસ બિન સઈદ અલ સઈદ છે. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈ Attack on Qaboos bin Said al Said સર્ચ કરતાં પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ઓમાનના રાજા પર તાજેતરમાં કોઈ પણ હુમલો થયો હોવાની કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ નહતી.
આ ઉપરાંત અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે. એ ઓમાનના રાજા જેવો નથી લાગતો. તેથી અમે InVID ટુલ્સનો ઉપયોગ કરીને સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, 11 મી ડિસેમ્બર 2019 ના રોજ, કુવૈતી રાષ્ટ્રીય વિધાનસભાના અધ્યક્ષ માર્ઝૌક અલ-ગનીમ પર હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. અલ-સુલૈબીખાત કબ્રસ્તાનમાં તેમણે અનેક કુવૈત પરિવારોના મોતને માન આપ્યા પછી આ ઘટના બની હતી. alkhaleejonline.net પર પ્રસારિત કરવામાં આવેલા એક અહેવાલ અનુસાર, નૈફ અલ-માર્ઝૌક નામના નાગરિકે કબ્રસ્તાનમાં અપશબ્દો બોલ્યા બાદ કુવૈતના અધ્યક્ષ માર્ઝોક અલ-ગનિમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાની સ્પષ્ટતા કરવા માટે માર્ઝોક અલ-ગનિમે તેમના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને તેની માહિતી આપી હતી. તેમણે આ બાબતે કેટલાક જૂના વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે જેને આ ઘટના સાથે કોઈ સંબંધ ન હોવાનું પણ જણાવ્યું હતું. 12 ડિસેમ્બર, 2019 ના રોજ માર્ઝોક અલ-ગનિમ દ્વારા કરવામાં આવેલી તમામ ટ્વિટ તમે નીચેની લિંક પર જોઈ શકો છો.
કુવૈતના સ્પીકર પર થયેલો હુમલો હકીકતમાં એક વ્યક્તિગત ઘટના હતી જે બહુ ગંભીર નથી. તેનાથી તેમને કોઈ પણ પ્રકારનું શારીરિક નુકસાન થયું ન હતું. પરંતુ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયોને તેમના પર થયેલા હુમલા સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોમાં તમે આસપાસ શાંતિથી ઉભેલા લોકોને જોઈ શકો છો. જેઓ હુમલો થયા બાદ પણ કોઈ પ્રતિક્રિયા આપતા જોવા મળતા નથી. તેમજ કેટલાક લોકો તો આ ઘટનાને મોબાઈલમાં શૂટ કરી રહ્યા છે. આ હુમલો કોઈ વાસ્તવિક હુમલો નથી. પરંતુ એક લશ્કરી પરેડની મોકડ્રીલ છે. જેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, કોઈ મહત્વના વ્યક્તિને કેવી રીતે રક્ષણ આપવું.
અમારી વધુ તપાસમાં અમને Alhadath News દ્વારા 12 ડિસેમ્બર, 2019 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ એક અલગ એંગલથી લેવાયેલા પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને આ એક કુવૈતના એમિરી ગાર્ડ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલી એક મિલિટરી પરેડ હોવાની માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને New China TV દ્વારા 11 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેના પરથી અમને એ માલૂમ પડ્યું હતું કે, આ વીડિયો 10 થી 12 ડિસેમ્બર 2019 સુધી કુવૈતમાં યોજાયેલ ગલ્ફ સંરક્ષણ અને ઉડ્ડયન પ્રદર્શનનો એક ભાગ છે. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કુવૈતમાં યોજાયેલ ગલ્ફ સંરક્ષણ અને ઉડ્ડયન પ્રદર્શનનો એક ભાગ છે જેને ઓમાનના સુલતાન કે માર્ઝોક અલ-ગનિમ પર થયેલા હુમલા સાથે કોઈ જ સંબંધ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કુવૈતમાં યોજાયેલ ગલ્ફ સંરક્ષણ અને ઉડ્ડયન પ્રદર્શનનો એક ભાગ છે જેને ઓમાનના સુલતાન કે માર્ઝોક અલ-ગનિમ પર થયેલા હુમલા સાથે કોઈ જ સંબંધ નથી.
Title:શું ખરેખર ઓમાનના સુલતાન પર કરવામાં આવ્યો ઘાતકી હુમલો...? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False