જાણો બાઈક પર લાશ લઈને જઈ રહેલા બાઈક સવારના વાયરલ ફોટોનું શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાઈક પર લાશ લઈને જઈ રહેલા એક બાઈક સવારનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાઈક પર એક મુસ્લિમ વ્યક્તિ લાશ લઈને જઈ રહ્યો છે. આ ઘટના તાજેતરમાં હિંદુ છોકરીઓ જે મુસ્લિમ યુવકો સાથે લગ્ન કરે કે ભાગી જાય છે તેમના માટે ઉદાહરણ સમાન છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં બાઈક સવારનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ મિસ્રનો છે અને એ બાઈક પર કોઈ લાશ નહીં પરંતુ પૂતળું લઈને જઈ રહ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
मनोज हिंदुस्तानी નામના ફેસબુક યુઝર દ્વારા 4 જૂન, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અરે.... ભેંચો.... ઇનકે કે વાલા તો સબસે અલગ નિકલા.... પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાઈક પર એક મુસ્લિમ વ્યક્તિ લાશ લઈને જઈ રહ્યો છે. આ ઘટના તાજેતરમાં હિંદુ છોકરીઓ જે મુસ્લિમ યુવકો સાથે લગ્ન કરે કે ભાગી જાય છે તેમના માટે ઉદાહરણ સમાન છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વાયરલ ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર cairo24.com દ્વારા 30 મે, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, બોરીમાંથી નીકળતા બાઇક ચાલકનો પગનો ફોટો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. લોકો તેને શબ સમજતા હતા. પરંતુ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, તે મૃતદેહ નથી પરંતુ એક પૂતળું છે, જે દુકાનમાં અલગ-અલગ કપડાં પહેરાવીને રાખવામાં આવે છે.
રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, કપડાંની દુકાનના માલિકે એક ટ્રાન્સપોર્ટ કંપનીને તેની દુકાન પર મેનક્વિન પહોંચાડવા કહ્યું હતું. ટ્રાન્સપોર્ટ કંપની બાઇક પર વિખરાયેલા પૂતળાને લઈ જઈ રહી હતી ત્યારે એક મુસાફરે આ તસવીર ક્લિક કરી હતી.
અમારી વધુ તપાસમાં અમને BG કલેક્શન નામના ફેસબુક પેજ પર પોસ્ટ કરાયેલી સમાન તસવીર મળી. પોસ્ટમાં, BG કલેક્શને જણાવ્યું હતું કે, બાઇક પર સવાર વ્યક્તિ ડેડ બોડી નહીં પરંતુ તેના સ્ટોરની એક શાખામાંથી બીજી શાખામાં મેનક્વિન્સ લઈ જતો હતો.
BG કલેક્શન દ્વારા અન્ય એક પોસ્ટમાં, અમને તે જ મેનેક્વિનની તસવીર મળી જે વાયરલ તસવીર સાથે પોસ્ટ કરવામાં આવી હતી. પોસ્ટમાં લખ્યું છે કે, 'ભગવાનની કૃપાથી હું સુરક્ષિત રીતે મારા ગંતવ્ય પર પહોંચી ગયો છું.' જો તમે ઈચ્છો તો અમારી પાસેથી લોગો સેટ ખરીદી શકો છો.
વધુ તપાસમાં અમને રાજસ્થાન પોલીસ દ્વારા 5 જૂન, 2023 ના રોજ કરવામાં આવેલ એક ટ્વિટ મળ્યું, જેમાં વાયરલ દાવાને ખોટો ગણાવ્યો છે. આ ટ્વિટમાં પોલીસે લખ્યું કે, “સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, એક વ્યક્તિ મૃતદેહને બાઇક પર લઈ જઈ રહ્યો છે. પરંતુ આ તસવીર ઇજિપ્તની છે અને બાઇક પર કોઇ લાશ નથી પરંતુ એક પૂતળું છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બાઈક સવારનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ મિસ્રનો છે અને એ બાઈક પર કોઈ લાશ નહીં પરંતુ પૂતળું લઈને જઈ રહ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:જાણો બાઈક પર લાશ લઈને જઈ રહેલા બાઈક સવારના વાયરલ ફોટોનું શું છે સત્ય....
Written By: Vikas VyasResult: Misleading