
11 મે 2026ના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને જ્યોતિર્લિંગની પૂજા કરી હતી. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક ફોટોગ્રાફ વાયરલ થઈ રહ્યો હતો, જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “સોમનાથ મંદિરની નજીક એક ચોક્કસ ધાર્મિક સમુદાયના સભ્યો દ્વારા કથિત રીતે અતિક્રમણ કરીને બાંધવામાં આવેલી એક મસ્જિદ, દરગાહ અને વસાહતો તોડી પાડવામાં આવી હતી.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 26 ઓક્ટોબર, 2024ના રોજ, TelegraphIndia પર પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ અહેવાલમાં, વાયરલ છબી જેવો જ એક અલગ ખૂણાથી લેવાયેલો ફોટોગ્રાફ મળી આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે ગીર સોમનાથમાં અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. આ અતિક્રમણ દૂર કરવાની કામગીરી 28 સપ્ટેમ્બર, 2024 ના રોજ કરવામાં આવી હતી.

તેમજ વધુ સર્ચ કરતા અમને સંદેશ ન્યૂઝ દ્વારા વિગતવાર પ્રસારિત 28 સપ્ટેમ્બર 2024ના પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
30 સપ્ટેમ્બર, 2024ના રોજ ‘ન્યૂઝ 18’ વેબસાઇટ પર પ્રકાશિત થયેલા એક અહેવાલમાં જણાવાયું હતું કે ગુજરાતના ગીરમાં સોમનાથ મંદિરની બાજુમાં આવેલા પ્રભાસ પાટણ શહેરમાં લઘુમતી સમુદાયના નવ ધાર્મિક બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. આમાં મસ્જિદો, દરગાહ અને એક કબ્રસ્તાનનો સમાવેશ થાય છે. આ પછી, આ વિસ્તારમાં વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું હતું. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ તમામ બાંધકામો સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સપ્ટેમ્બર 2024માં સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારોમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તે સમયનો એક ફોટોગ્રાફ હાલમાં તાજેતરના ઓપરેશનના નામે વાયરલ કરવામાં આવી રહ્યો છે.


