જાણો 12 વર્ષથી કોમામાં રહેલા ગાઝિયાબાદના હરીશ રાણાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય… 

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકોની ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 12 વર્ષથી કોમામાં રહેલા ગાઝિયાબાદના હરીશ રાણાનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગાઝિયાબાદના હરીશ રાણાના નામે જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ સુરતની રીટાબેન કોરાટ નામની બ્રેન ડેડ મહિલાનો છે જેના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. આ વીડિયોને હરીશ રાણાના ઈચ્છામૃત્યુ કેસ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એક બોક્ષ પર ગુજરાતી ભાષામાં ‘લીવર’ લખેલું જોવા મળ્યું હતું.

વધુમાં, વાયરલ વીડિયોની એક ફ્રેમમાં અમે ગુજરાતીમાં “ડાયમંડ હોસ્પિટલ” (Diamond Hospital) લખેલું હોસ્પિટલનું નામ જોયું.

જેના પરથી અમને એ માલૂમ થયું કે, આ ગુજરાતનો જ વીડિયો છે.

ત્યાર બાદ અમે વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશોટ લીધો અને રિવર્સ ઈમેજ સર્ચ કર્યું. આનાથી અમને એક ઇન્સ્ટાગ્રામ હેન્ડલ મળ્યું જ્યાં વાયરલ વીડિયો 27 જાન્યુઆરી, 2026ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.

કેપ્શન મુજબ, આ વીડિયોમાં સુરતની એક મગજથી મૃત્યુ પામેલી મહિલા બતાવવામાં આવી છે, જેનું લીવર, બે કિડની અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું. પોસ્ટમાં મહિલાની તસવીર પણ હતી.

આ સંકેતને આધારે, અમે ગુજરાતીમાં સંબંધિત કીવર્ડ અને રિવર્સ ઇમેજથી સર્ચ કરતાં અમને 24 જાન્યુઆરી, 2026ના રોજ ગુજરાતી ન્યૂઝ 18માં પ્રકાશિત થયેલો એક અહેવાલ મળ્યો, જેમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર અમને મળેલી મહિલાનો ફોટો હતો.

આ અહેવાલમાં લખ્યું હતું કે, “માનવતા અને સમાજસેવાની મહાન ભાવનાનું ઉદાહરણ, સુરતમાં એક મહત્વપૂર્ણ અંગદાન સફળતાપૂર્વક પૂર્ણ થયું. અંગદાતા રીટાબેન હરેશભાઈ કોરાટ (ઉંમર: 45 વર્ષ), સુરત, જેતપુર, જિલ્લા રાજકોટના વતની, દ્વારા કરવામાં આવેલા અંગદાનને કારણે, કુલ પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, 22/01/2026 ના રોજ બપોરે લગભગ 3:30 વાગ્યે, રીટાબેન કોરાટે તેમના પુત્ર રાજ હરેશભાઈ કોરાટને ફોન કરીને કહ્યું કે, તેમની તબિયત સારી નથી અને તેમને ઘરે આવવા કહ્યું. જ્યારે તેમનો પુત્ર ઘરે પહોંચ્યો ત્યારે રીટાબેનને ઉલટી થઈ રહી હતી અને શરીરમાં ખૂબ જ નબળાઈ અનુભવાઈ રહી હતી. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી ડોક્ટરે તેમને વધુ સારવાર માટે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં જવાની સલાહ આપી હતી. ડાયમંડ હોસ્પિટલમાં જરૂરી પરીક્ષણો કર્યા પછી, ડૉ. દીપેશ કક્કર (ન્યુરોસર્જન) અને ડૉક્ટરોની ટીમે દર્દીને બ્રેઈન ડેડ જાહેર કર્યો. આ ગંભીર ક્ષણે, પરિવારના સભ્યો હરેશભાઈ કોરાટ, રાજ કોરાટ, રાજવી કોરાટ, કૌશિકભાઈ કોરાટ, કેશવલાલ ભુવા, વિપુલભાઈ ભુવા, દિનેશભાઈ અભાંગી અને કિશોરભાઈ રિબડિયાએ માનવીય અને હિંમતવાન અંગદાનનો નિર્ણય લેવા માટે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો.

આગળ વધતાં અમને 28 જાન્યુઆરી, 2026ના રોજ યુટ્યુબ પર ગુજરાતીમાં એક વીડિયો રિપોર્ટ મળ્યો. રિપોર્ટમાં તમે વાયરલ વીડિયો જોઈ શકો છો.

રિપોર્ટ અનુસાર, વીડિયોમાં રીટાબેન કોરાટ દેખાય છે, જેમના અંગો બ્રેઈન-ડેડ જાહેર થયા પછી દાન કરવામાં આવ્યા હતા.

બીજો એક વીડિયો તમે નીચે જોઈ શકો છો.

જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ વીડિયો જૂનો છે અને આ વીડિયોને હરીશ રાણાના ઈચ્છામૃત્યુ કેસ સાથે કોઈ જ સંબંધ નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગાઝિયાબાદના હરીશ રાણાના નામે જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ સુરતની રીટાબેન કોરાટ નામની બ્રેન ડેડ મહિલાનો છે જેના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. આ વીડિયોને હરીશ રાણાના ઈચ્છામૃત્યુ કેસ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો 12 વર્ષથી કોમામાં રહેલા ગાઝિયાબાદના હરીશ રાણાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય… 

Fact Check By: Vikas Vyas

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *