
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરસાદના ધસમસતા પાણીમાં તણાઈ રહેલા કેટલાક વાહનોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કચ્છ-માંડવી ખાતે થયેલા ભારે વરસાદને કારણે કેટલાક વાહનો ધસમસતા પાણીમાં તણાયા હતા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વરસાદના ધસમસતા પાણીમાં તણાઈ રહેલા કેટલાક વાહનોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2019 માં રાજસ્થાનના બિકાનેર ખાતે થયેલા ભારે વરસાદનો છે. આ વીડિયોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Suresh Samliya નામના ફેસબુક યુઝર દ્વારા 8 જુલાઈ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કચ્છ જિલ્લા માંડવી તાલુકામાં ધોમધાર વરસાદ . પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કચ્છ-માંડવી ખાતે થયેલા ભારે વરસાદને કારણે કેટલાક વાહનો ધસમસતા પાણીમાં તણાયા હતા તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો વર્ષ 2019 માં એક યુટ્યુબ યુઝર દ્વારા અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજસ્થાનના બિકાનેર ખાતે ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે.
આજ વીડિયો અમને અન્ય યુટ્યુબ યુઝર દ્વારા પણ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Youtube
આજ પ્રકારનો વધુ એક વીડિયો રાજસ્થાન તક સમાચાર ચેનલ દ્વારા પણ વર્ષ 2019 માં પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં જોવા મળ્યો હતો. તેમાં પણ આ વીડિયો બિકાનેર ખાતે થયેલા ભારે વરસાદનો હોવાનું જણાવવામાં આવ્યું છે.
ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, કચ્છ-માંડવી ગુજરાતમાં આવેલું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ગુજરાતી ભાષા પ્રચલિત છે પરંતુ આ વીડિયોમાં દેખાઈ રહેલા દુકાનોના બોર્ડ પર હિન્દી ભાષા લખેલી જોવા મળે છે. વધુમાં આ વીડિયોમાં દેખાઈ રહેલી દુકાનોમાં એક દુકાન પર “तीन भाइयों की दुकान” એવું સ્પષ્ટ લખેલું જોઈ શકાય છે.

જેના પરથી અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને આ “तीन भाइयों की दुकान” સર્ચ કરતાં અમને આ દુકાન બિકાનેર ખાતે આવેલી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ અમે બોર્ડ પર દેખાઈ રહેલા નંબર પર સંપર્ક કરતાં દુકાનના માલિક કિશોર કુમાર સાથે અમારી વાત થઈ હતી. તો તેઓએ અમને જમાવ્યું હતું કે, “આ વીડિયો બિકાનેરનો જ છે અને તેમની દુકાન આગળના રસ્તા પર વર્ષ 2019 માં ભારે વરસાદને કારણે જે પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારનો છે. આ વીડિયો અન્ય ઘણી બધી જગ્યાઓના નામે સોશિયલ મીડિયા પર લોકો વાયરલ કરી રહ્યા છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વરસાદના ધસમસતા પાણીમાં તણાઈ રહેલા કેટલાક વાહનોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2019 માં રાજસ્થાનના બિકાનેર ખાતે થયેલા ભારે વરસાદનો છે. આ વીડિયોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:જાણો વરસાદના વહેતા પાણીમાં તણાઈ રહેલા વાહનોના વાયરલ વીડિયોનું શું છે સત્ય…?
Fact Check By: Vikas VyasResult: False
