શું ખરેખર ગુજરાતમાં રુપાણી સરકારે રાજીનામું આપ્યું…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે આ બધા સમાચારોની વચ્ચે સોશિયલ મીડિયા પર ગુજરાત સરકારના મુખ્યમંત્રીના રાજીનામાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે આ સમગ્ર સમાચારો વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના મુખ્યમંત્રી અને તેમના મંત્રી મંડળે રાજીનામું આપી દીધું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2017 માં જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો ત્યારે 13 મી વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે મુખ્યમંત્રી વિજય રુપાણી અને સમગ્ર મંત્રીમંડળે તે સમયના રાજ્યપાલ ઓ.પી.કોહલીને રાજીનામું આપ્યું હતું ત્યારનો આ વીડિયો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Amit Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા 19 મે, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ગુજરાતમાં રૂપાણી સરકારનું રાજીનામું.. સાથે મંત્રીઓને પણ રાજીનામું આપી દીધું છે. રાજ્યપાલને રાજીનામું સ્વીકારી લીધું છે. આવનાર સમયમાં નવા મુખ્યમંત્રી જાહેર થાય ત્યાં સુધી રાજ્ય પાસે ગુજરાતના વહિવટી સત્તા રહશે. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળે રાજીનામું આપી દીધું છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ રૂપાણી સરકારે તાજેતરમાં રાજીનામું આપ્યું હોય એવી કોઈ પણ માહિતી અમને પ્રાપ્ત થઈ નહતી. ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, ગુજરાતના હાલના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય છે જેઓ 15 જુલાઈ, 2019 થી આ પદ પર કાર્યરત છે. જ્યારે વીડિયોમાં એવું લખેલું સ્પષ્ટ જોવા મળે છે કે, ‘ગવર્નર ઓ.પી.કોહલીને સોંપ્યું રાજીનામું’. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ સમાચાર હાલના તો નથી જ.

screenshot-www.youtube.com-2021.05.20-23_11_11.png

ત્યાર બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Zee 24 Kalak દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સાથેના સમાચાર 21 ડિસેમ્બર, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વર્ષ 2017 માં જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો ત્યારે 13 મી વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે મુખ્યમંત્રી વિજય રુપાણી અને સમગ્ર મંત્રીમંડળે તે સમયના રાજ્યપાલ ઓ.પી.કોહલીને રાજીનામું આપ્યું હતું. 

Archive

આજ માહિતી અને વીડિયો સાથેના અન્ય અહેવાલ પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છે. VTV Gujarati | Mera News

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2017 માં જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો ત્યારે 13 મી વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે મુખ્યમંત્રી વિજય રુપાણી અને સમગ્ર મંત્રીમંડળે તે સમયના રાજ્યપાલ ઓ.પી.કોહલીને રાજીનામું આપ્યું હતું ત્યારનો આ વીડિયો છે.

Avatar

Title:શું ખરેખર ગુજરાતમાં રુપાણી સરકારે રાજીનામું આપ્યું…?

Fact Check By: Vikas Vyas 

Result: False