શું ખરેખર તાજેતરમાં ગંગા ઘાટ પરની લાશનો આ ફોટો છે...? જાણો શું છે સત્ય....
તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજે રોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં હાલમાં સોશિયલ મીડિયા પર ગંગા ઘાટ પરની લાશનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ગંગાઘાટનો છે જ્યાં ગંગા નદીમાં તરતી લાશોને કૂતરા ખાઈ રહ્યા છે જે તમે જોઈ શકો છો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2008 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Pravin Patodiya નામના ફેસબુક યુઝર દ્વારા 13 મે, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હિન્દુ હૃદય સમ્રાટોને અને ફરજી હિનદુત્વના ઠેકેદારોને મા ગંગા બોલાવે છે કયાય સુતા હોય તો જગાડો હિન્દુઓની લાશોને કાગડા કુતરા ચુથે છે રાતના અંધારમા પાકીસતાના આતંકવાદીઓની લાશો જેને સ્ટુડીયોમા બેઠા બેઠા દેખાતી એ ગોદી મિડિયાની માં બાપની બાઇડીયુને ગંગામા તણાતા મડદા નહી દેખાતા હોય . પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ગંગાઘાટનો છે જ્યાં ગંગા નદીમાં તરતી લાશને કૂતરા ખાઈ રહ્યા છે જે તમે જોઈ શકો છો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને alamy.com નામની વેબસાઈટ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 20 ફેબ્રુઆરી, 2008 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તર પ્રદેશના વારણસી ઘાટનો આ ફોટો ડિનોડિયા ફોટોજ આરએમ દ્વારા 20 ફેબ્રુઆરી, 2008 ના રોજ ક્લિક કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત માહિતી પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2008 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તેથી આ ફોટોને તાજેતરમાં ગંગા નદીમાં મળી આવેલી લાશો સાથે કે કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2008 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તેથી આ ફોટોને તાજેતરમાં ગંગા નદીમાં મળી આવેલી લાશો સાથે કે કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી.