
તાજેતરમાં સોશિયલ મીડિયા પર અદાણી ગ્રુપ દ્વારા NDTV નો 29 ટકા હિસ્સો ખરીદવાના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર NDTV ના જાણીતા પત્રકાર રવીશ કુમારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, NDTV ના પત્રકાર રવીશ કુમારનો આ વીડિયો NDTV વેચાઈ ગયા બાદનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો જૂનો છે. જ્યારે સાહિત્ય તક નામની ચેનલ દ્વારા એક પ્રોગ્રામમાં NDTV ના પત્રકાર રવીશ કુમારને એક વ્યક્તિ દ્વારા એવો પ્રશ્ન કરવામાં આવ્યો કે, NDTV પર એક દિવસ બેન લાગી જાય તો તમે શું કરશો? ત્યારે તેઓએ આ રીતે જવાબ આપ્યો હતો. આ વીડિયોને વર્તમાનમાં અદાણી ગ્રુપ દ્વારા NDTV નો અમુક હિસ્સો ખરીદવાની ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
CA Hari Arora નામના ફેસબુક યુઝર દ્વારા 24 ઓગષ્ટ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, NDTV વેચ્યા પછી રવીશ કુમાર……. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, NDTV ના પત્રકાર રવીશ કુમારનો આ વીડિયો NDTV વેચાઈ ગયા બાદનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના સહારે સર્ચ કરતાં અમને સાહિત્ય તક દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો બે વર્ષ પહેલાં અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એખ વ્યક્તિ દ્વારા NDTV ના પત્રકાર રવીશ કુમારને એવો પ્રશ્ન કરવામાં આવે છે કે, NDTV પર એક દિવસ માટે બેન લાગી જાય તો તમે શું કરશો? ત્યારે એના જવાબમાં રવીશ કુમાર એવું કહે છે કે, “બેન કઈ રીતે લાગે? તમે નથી કે શું? તમે લોકો છો તો કઈ રીતે બેન લાગી શકે છે? અહીં ઊભી રહીને રસ્તા પર સમાચાર વાંચી લઈશું. મેં કહ્યું હતું કે, સંવિધાનમાં લખેલું છે કે, પત્રકાર સમાચાર વાંચશે તો સ્ટુડિયોમાં જ વાંચશે. ક્યાંય પણ સમાચાર વાંચી લેશે પાર્કમાં વાંચી લેશે, ગાડીમાં વાંચી લેશે અને જો એ નહીં થાય તો બાથરુમ બંધ કરીને જે રીતે ગાઈએ છીએ એ રીતે પણ સમાચાર વાંચી લેશે. એમાં શું છે? કરો જે કરવું હોય એ કરો બેન કરવું હોય તો બેન કરો બંધ કરવું હોય તો બંધ કરો જે કરવું હોય એ કરો.”
રવીશ કુમાર ફેન ક્લબ દ્વારા પણ આજ વીડિયો 4 વર્ષ પહેલાં અપલોડ કરવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ વીડિયોમાં તમે 26.30 મિનિટ પછી પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના ભાગને જોઈ શકો છો.
ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો હાલનો નહીં પરંતુ જૂનો છે જે 4 વર્ષ પહેલાંથી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો જૂનો છે. જ્યારે સાહિત્ય તક નામની ચેનલ દ્વારા એક પ્રોગ્રામમાં NDTV ના પત્રકાર રવીશ કુમારને એક વ્યક્તિ દ્વારા એવો પ્રશ્ન કરવામાં આવ્યો કે, NDTV પર એક દિવસ બેન લાગી જાય તો તમે શું કરશો? ત્યારે તેઓએ આ રીતે જવાબ આપ્યો હતો. આ વીડિયોને વર્તમાનમાં અદાણી ગ્રુપ દ્વારા NDTV નો અમુક હિસ્સો ખરીદવાની ઘટના સાથે કોઈ જ સંબંધ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:NDTV ના પત્રકાર રવીશ કુમારનો જૂનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
