Bhumit Patel નામના ફેસબુક યુઝર દ્વારા 6 નવેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મહેસાણા, પાટણ, પાલનપુર, દાંતા, ઊંઝા, ચાણસ્મા, હારિજ, રાધનપુર, અડાલજ, કલોલ, અમદાવાદ 20 કિલોમીટરમાં જો તમારે ત્યાં કોઈ શુભ પ્રસંગ હોય અને રસોઈ વધી હોય તો અમારી ગાડી આવી રસોઈ લઇ જશે ફોન નંબર 6356635000 ફોન કરવાનો ટાઈમ બપોરે 11થી 2અને રાત્રે 9થી 10:30 કલાક સુધી ફોન કરવો જેથી જરુરતમંદની ભૂખ સંતોષી શકાય "અન્નદાન મહાદાન"...."જીવદયા અનમોલ". આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં દર્શાવેલા તમામ શહેરોમાં કોઈ પ્રસંગમાં વધેલું ભોજન 6356635000 પર કોલ કરવાથી અક્ષયરથની ગાડી આવીને એ ભોજન લઈ જશે. આ પોસ્ટને 120 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 10 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 1100 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.11.08-17_49_57.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર મહેસાણા, પાટણ, પાલનપુર, દાંતા, ઊંઝા, ચાણસ્મા, હારિજ, રાધનપુર, અડાલજ, કલોલ, અમદાવાદના આસપાસના 20 કિલોમીટરમાં જો કોઈ શુભ પ્રસંગ હોય અને રસોઈ વધી હોય તો 6356635000 નંબર પર ફોન કરવાથી અક્ષયરથની ગાડી આવીને ભોજન લઈ જાય છે કે કેમ? એ જાણવા સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા મોબાઈલ નંબર પર કોલ કરતાં અમારી વાત અક્ષયરથના સેવક કૌશિક રાવલ સાથે થઈ હતી. અમે તેમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, "મહેસાણા શહેર અને તેની આસપાસના લગભગ 10 થી 15 કિલોમીટરના વિસ્તારમાં કોઈ પ્રસંગમાં વધેલી રસોઈ લઈ જવાની સેવા અક્ષયરથ દ્વારા ઉપલબ્ધ છે. આ સેવા ફક્ત મહેસાણા શહેર અને તેની આસપાસના વિસ્તાર પૂરતી મર્યાદિત છે. થોડાક સમય પહેલા કોઈ અણસમજુ દ્વારા આમારી પોસ્ટમાં એડિટીંગ કરીને અન્ય શહેરોના નામ ઉમેરીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હતી. લોકોને બસ એટલું જ જણાવવાનું કે મહેસાણા સિવાય અન્ય કોઈ શહેરમાં આજ રોજ સુધી અમારી સેવા ચાલુ કરવામાં નથી આવી."

2019-11-08.png

આ ઉપરાંત વધુમાં તેઓએ અમને તેમના દ્વારા આ મેસેજ ખોટો હોવાનો એક અન્ય મેસેજ પણ સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. તેનો ફોટો અમને મોકલ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

WhatsApp Image 2019-11-08 at 2.48.45 PM (2).jpeg

વધુમાં કૌશિક રાવલ તેમજ તેમના ગ્રુપ દ્વારા ચલાવવામાં આવતી આ સેવાકીય પ્રવૃત્તિનો લેખ નવગુજરાત સમય પેપરમાં પ્રસારિત થયો હતો અને એ લેખનો ફોટો પણ તેમના દ્વારા અમને મોકલવામાં આવ્યો હતો જે તમે નીચે જોઈ શકો છો.

WhatsApp Image 2019-11-08 at 2.54.29 PM.jpeg

અમારી વધુ તપાસમાં અમને Akshayrath Mehsana નું એક ફેસબુક પેજ પ્રાપ્ત થયું હતું. તેના પર મૂકવામાં આવેલા એક ફોટોમાં પણ આ સેવાકીય પ્રવૃતિ માત્ર મહેસાણા શહેર તેમજ તેની આસપાસના 10 થી 15 કિલોમીટરમાં જ ચાલતી હોવાની માહિતી દર્શાવવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

WhatsApp Image 2019-11-08 at 2.48.45 PM.jpeg

Archive

આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અક્ષયરથની સેવા ફક્ત મહેસાણા શહેર અને તેની આસપાસના 10 થી 15 કિલોમીટર પૂરતી મર્યાદિત છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અક્ષયરથની સેવા ફક્ત મહેસાણા શહેર અને તેની આસપાસના 10 થી 15 કિલોમીટર પૂરતી મર્યાદિત છે. અન્ય કોઈ પણ શહેરોમાં તેમની સેવા હાલમાં ઉપલબ્ધ નથી.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર પોસ્ટમાં દર્શાવેલા તમામ શહેરોમાં ચાલે છે ‘અક્ષયરથ’ની સેવા…? જાણો શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: Partly False