શું ખરેખર શિવ મંદિરમાં ચોરી કરનાર ટોળકીના ત્રણેય શખ્સો મુસ્લિમ હતા….?  જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં એક સીસીટીવી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં મંદિરની અંદર રહેલા શિવલિંગને હથિયાર વડે કાઢતા શખ્સોને જોઈ શકાય છે. આ સીસીટીવીને સાંપ્રદાયિક રંગ આપવામાં આવી રહ્યો છે. અને આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મંદિરની અંદર ચોરી કરનાર ત્રણેય શખ્સ મુસ્લિમ છે અને ત્રણેયના નામ મોહમ્મદ, યુસુફ અને રજાક છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ ચોરીની ઘટનામાં પકડાયેલા ત્રણ આરોપીમાંથી બે આરોપીઓ હિન્દુ છે. તેમજ આ ચોરીની ઘટનામાં કોઈપણ સાંપ્રદિયક એંગલ ન હોવાનું સ્થાનિક પોલીસ દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યુ હતુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

અમિતકુમાર એમ સોની નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ મંદિરની અંદર ચોરી કરનાર ત્રણેય શખ્સ મુસ્લિમ છે અને ત્રણેયના નામ મોહમ્મદ, યુસુફ અને રજાક છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ન્યુઝ 18 ગુજરાતી દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો.  જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, પોલીસે આ ચોરીના કેસમાં “બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ધામણવા ગામના રમતુભાઈ અરજણભાઈ ખેર, રંગપુર ગામના સમંદરખાન ચાંદખાન પઠાણ તેમજ રીંછડી ગામના અને હાલે સાંગનદી પાસે રહેતા કલ્પેશ પ્રકાશભાઈ ભટની ધરપકડ કરી તેઓના કબ્જામાંથી ચોરીમાં ગયેલા તમામ આભૂષણો અને ગુનાકામે વપરાયેલ વાહનો સહિત 3.57 લાખનો મુદામાલ રિકવર કરવામાં આવ્યો છે.


News18Gujarati | Archive

ત્યારબાદ અમે પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલ નો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “કચ્છમાં મંદિરને ટાર્ગેટ બનાવી અને ચોરી કરતી ગેંગના ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. આ ચોરી કરનાર ગેંગને સાંપ્રદાયિક્તા સાથે કોઈ લેવા-દેવા નથી, હજુ આ ત્રણ આરોપીને પકડવાના બાકી છે. તેમજ પકડાયેલ ત્રણ માંથી બે આરોપી હિન્દુ છે. લોકોને અપીલ છે કે આ પ્રકારની અફવા ન ફેલાવે જેનાથી સમાજમાં અશાંતિનો માહોલ સર્જાય.” 

તેમજ ત્યારબાદ અમે કચ્છ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ડી.બી.પરમારનો સંપર્ક સાધ્યો હતો. તેમણે પણ આ ચોરીની ઘટનાના આરોપીની ધરપકડમાં સાંપ્રદાયિક વાતને નકારી કાઢી હતી. તેમજ તેમણે અમને આ ડિટેકશનની પ્રેસનોટ પણ આપી હતી. જે તમે નીચે વાંચી શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ચોરીની ઘટનામાં પકડાયેલા ત્રણ આરોપીમાંથી બે આરોપીઓ હિન્દુ છે. તેમજ આ ચોરીની ઘટનામાં કોઈપણ સાંપ્રદિયક એંગલ ન હોવાનું સ્થાનિક પોલીસ દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યુ હતુ.

Avatar

Title:શું ખરેખર શિવ મંદિરમાં ચોરી કરનાર ટોળકીના ત્રણેય શખ્સો મુસ્લિમ હતા….?  જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False