શું ખરેખર તાજેતરમાં રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા હુમલાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભયાનક બ્લાસ્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો નહીં પરંતુ વર્ષ 2015 માં ચીનના તિયાનજીન શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં થયેલા બ્લાસ્ટનો છે. આ વીડિયોને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

GSTV નામના ફેસબુક પેજ દ્વારા 24 ફેબ્રુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રશિયાના મહાભયંકર હુમલાથી સળગી રહ્યું છે યુક્રેન… થયા છે બ્લાસ્ટ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો તેનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો BBC News દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 14 ઓગષ્ટ, 2015 ના રોજ એક સમાચારમાં પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, એક સ્તબ્ધ પ્રત્યક્ષદર્શીએ ચીનના શહેર તિયાનજિનમાં થયેલા બે પ્રચંડ વિસ્ફોટના લીધેલા ફૂટેજ. જેઓએ જે બન્યું તે જોયું તેમનામાં ભય અને આતંક છવાઈ ગયો હતો. જોખમી માલસામાનના સંચાલનમાં વિશેષતા ધરાવતી કંપનીની માલિકીના વેરહાઉસમાં આગ લાગી અને વિસ્ફોટ થયો ત્યારે ડઝનેક લોકો મૃત્યુ પામ્યા અને સેંકડો ઘાયલ થયા. શહેરના અધિકારીઓનું કહેવું છે કે, તેમને હજુ એ જાણવા નથી મળ્યું કે, આગના સમયે વેરહાઉસમાં કઇ સામગ્રી હતી અથવા વિસ્ફોટ થવાનું કારણ શું હતું. પ્રત્યક્ષદર્શી ડેન વાન ડ્યુરેને વિસ્ફોટની ક્ષણનું ફિલ્માંકન કર્યું, તે પહેલાં તે અને અન્ય લોકો જોખમથી બચવા ભાગી ગયા હતા.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. CBS Mornings | France 24 English

હવે એ પણ જાણવું જરુરી હતું કે, શું ખરેખર યુક્રેનમાં આ રીતનો કોઈ બ્લાસ્ટ થયો છે કે નહીં?

બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, પૂર્વ યુક્રેનમાં પાવર પ્લાન્ટને “સતત તોપમારા” દરમિયાન શરૂ થયેલી આગથી નુકસાન થયું છે. જેના કારણે હજારો લોકોના ઘરની વીજળી ડુલ થઈ ગઈ હતી.

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં ક્યાં કેટલું નુકશાન થયું એ તમે અહીં જોઈ શકો છો. tv9gujarati.com

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો નહીં પરંતુ વર્ષ 2015 માં ચીનના તિયાનજીન શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં થયેલા બ્લાસ્ટનો છે. આ વીડિયોને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર તાજેતરમાં રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા હુમલાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False