શું ખરેખર ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ વિશે બોલી રહેલા કાશ્મીરી મુસ્લિમ યુવકનો આ વીડિયો પાકિસ્તાની ચેનલનો છે…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિવેક અગ્નિહોત્રી દ્વારા કાશ્મીરી પંડિતો પર બનાવવામાં આવેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ની ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે ફિલ્મ વિશે ઘણી બધી ખોટી માહિતી, ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં તાજેતરમાં જ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ અને કાશ્મીરમાં બનેલી ઘટના વિશે બોલી રહેલા કાશ્મીરી મુસ્લિમ યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ અને કાશ્મીરમાં બનેલી ઘટના વિશે બોલી રહેલા કાશ્મીરી મુસ્લિમ યુવકનો આ વીડિયો પાકિસ્તાની સમાચાર ચેનલનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને ખોટી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઈન્ટરવ્યૂમાં બોલી રહેલા કાશ્મીરી મુસ્લિમ યુવકનો આ વીડિયો ભારતીય સમાચાર ચેનલનો જ છે. આ વીડિયોને પાકિસ્તાની મીડિયા સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Gujarat Public News નામના ફેસબુક પેજ દ્વારા 19 માર્ચ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ યુવાન કાશ્મીરી મુસ્લિમ પાકિસ્તાની ચેનલ પર “તમામ કાશ્મીરી હિન્દુઓને નરસંહાર માટે માફ કરશો” કહી રહ્યો છે. નરસંહારનો સ્વીકાર કરવો અને માફી માંગવી એ #RightToJusticeનું પ્રથમ પગલું છે… Video credit #ann_news #video #viralvideo #kashmir #kashmirfiles #gujaratpublicnews #gujjurocks. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ અને કાશ્મીરમાં બનેલી ઘટના વિશે બોલી રહેલા કાશ્મીરી મુસ્લિમ યુવકનો આ વીડિયો પાકિસ્તાની સમાચાર ચેનલનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે સૌપ્રથમ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ વીડિયોમાં નીચે ANN NEWS લખેલું સ્પષ્ટપણે જોઈ શકાય છે. ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો ANN KASHMIR નામની યુટ્યુબ ચેનલ દ્વારા 15 માર્ચ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં જોવા મળ્યો હતો. જેની સાથે શીર્ષકમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, 1990 દરમિયાન કાશ્મીરી પંડિતોની હત્યા માટે સમાન રીતે જવાબદાર કાશ્મીરી મુસ્લિમ – જાવેદ બેગ

અમારી વધુ તપાસમાં અમે આ ચેનલનું એકાઉન્ટ ચેક કરતાં અમને જાણવા મળ્યું હતું કે, આ ન્યૂઝ ચેનલ ભારતની છે. ANN એ “South Asia News Network Pvt Ltd” દ્વારા સંચાલિત ટેલિવિઝન સમાચાર નેટવર્ક છે. ANN પાસે 24 કલાકની કેબલ ટીવી ચેનલ પણ છે.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ANN News – સાઉથ એશિયા ન્યૂઝ નેટવર્કનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, આ કાશ્મીરની ચેનલ છે. આ ચેનલ 4 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. આ એક ભારતીય ચેનલ છે, જે શ્રીનગર સ્થિત છે. આ કોઈ પાકિસ્તાની ટીવી ચેનલ નથી. ANN ન્યૂઝ ચેનલે પણ આ અંગે સમાચાર પ્રકાશિત કર્યા છે.

વાયરલ વીડિયોમાં દેખાતા વ્યક્તિનો ઈન્ડિયા ટીવી દ્વારા ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો છે. સમાચાર અનુસાર, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર વાત કરતા PDF ના જનરલ સેક્રેટરી જાવેદ બેગે કહ્યું હતું કે, હું એક કાશ્મીરી મુસ્લિમ મારા કાશ્મીરી (પંડિત) ભાઈઓની માફી માંગુ છું”. અન્ય ભારતીય મીડિયા દ્વારા પણ જાવેદ બેગનો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો છે.

જાવેદ બેગ દ્વારા 16 માર્ચ, 2022 ના રોજ ‘ANN KASHMIR’ ન્યૂઝ ચેનલ સાથેની તેમની વાતચીત અંગેનું એક ટ્વિટ કરવામાં આવ્યું હતું જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઈન્ટરવ્યૂમાં બોલી રહેલા કાશ્મીરી મુસ્લિમ યુવકનો આ વીડિયો ભારતીય સમાચાર ચેનલનો જ છે. આ વીડિયોને પાકિસ્તાની મીડિયા સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ વિશે બોલી રહેલા કાશ્મીરી મુસ્લિમ યુવકનો આ વીડિયો પાકિસ્તાની ચેનલનો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False