પત્રકાર જગદીશ ચંદ્રાનો વીડિયો રાજસ્થાનના કોંગ્રેસ પ્રવક્તાના નામે ખોટી માહિતી સાથે વાયરલ... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનના કોંગ્રેસના પ્રવક્તા જગદીશ ચંદ્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ જગદીશ ચંદ્રા નામના વ્યક્તિનો જ છે પરંતુ તે રાજસ્થાનના કોંગ્રેસના પ્રવક્તા નહીં પરંતુ એક પત્રકાર છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Hasmukh Kacha Bjp નામના ફેસબુક યુઝર દ્વારા 19 ડિસેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ છે રાજસ્થાન કોંગ્રેસ પ્રવક્તા જગદીશ ચંદ્રા જુઓ મોદી વિશે એમના વિચાર. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનના કોંગ્રેસના પ્રવક્તા જગદીશ ચંદ્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે આ આખો વીડિયો ધ્યાનથી જોયો હતો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે First India News એવું સ્પષ્ટ લખેલું છે. ત્યાર બાદ અમે First India News ના યુટ્યુબ પર જઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 14 ડિસેમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ વીડિયોને ધ્યાનતી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ આજ વીડિયો The New JC Show નો જ એક ભાગ છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો ને તમે 55.37 મિનિટ પચી જોઈ શકો છો.
ઉપરોક્ત વીડિયોમાં એંકર 1.05 મિનિટ પછી એવું બોલી રહ્યા છે કે, તમામ સવાલોના જવાબ માટે આપણી સાથે ઉપસ્થિત છે ચેનલ હેડ જગદીશ ચંદ્રાજી. જેના પરથી એ સ્પષ્ટ થઈ જાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહી છે એ રાજસ્થાન કોંગ્રેસના પ્રવક્તા નહીં પરંતુ એક પત્રકાર જગદીશ ચંદ્રા છે.
ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડતી સર્ચ કરતાં અમને bhadas4media.com દ્વારા 4 જાન્યુઆરી, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઈટીવીને અલવિદા કહ્યા બાદ જગદીશ ચંદ્રા ઝી મીડિયાની રિઝનલ ચેનલોના સીઈઓ બન્યા.
અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, જગદીશ ચંદ્રા ફર્સ્ટ ઈન્ડિયા ન્યૂઝ રાજસ્થાનના સીએમડી છે.
વધુમાં અમે રાજસ્થાન કોંગ્રેસના પ્રવક્તાની યાદી માટે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને કોંગ્રેસના પ્રવક્તાની એક યાદી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ જગદીશ ચંદ્રાનું નામ અમને જોવા મળ્યું નહતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ જગદીશ ચંદ્રા નામના વ્યક્તિનો જ છે પરંતુ તે રાજસ્થાનના કોંગ્રેસના પ્રવક્તા નહીં પરંતુ એક પત્રકાર છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:પત્રકાર જગદીશ ચંદ્રાનો વીડિયો રાજસ્થાનના કોંગ્રેસ પ્રવક્તાના નામે ખોટી માહિતી સાથે વાયરલ...
Fact Check By: Vikas VyasResult: False