
તાજેતરમાં સમગ્ર દેશમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર લોકોની ભીડના કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટા કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંતર્ગત કર્ણાટકના બેલ્લારી ખાતે ઉમટેલી ભીડના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે બંને ફોટા મૂકવામાં આવ્યા છે એ જૂના છે આ ફોટોને તાજેતરમાં ચાલી રહેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રા સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Manoj Joshi નામના ફેસબુક યુઝર દ્વારા 15 ઓક્ટોમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ભારત જોડો યાત્રા દરમિયાન કર્ણાટક ના બેલ્લારી માં ઉમટેલ જન સૈલાબ… #BharatJodoYatra. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટા કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંતર્ગત કર્ણાટકના બેલ્લારી ખાતે ઉમટેલી ભીડના છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા બંને ફોટામાંથી પ્રથમ ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને એક ફેસબુક યુઝર દ્વારા ફેસબુક પર 14 ફેબ્રુઆરી, 2020 ના રોજ મૂકવામાં આવ્યો હતો. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો જૂનો છે અને હાલમાં ચાલી રહેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો નથી.
આજ ફોટો અમને કેટલીક અન્ય જગ્યાએ પણ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. milost.sk | gkstill.com | heartsings77.tumblr.com
ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા બીજા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને કોંગ્રેસ દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર આજ ફોટો 13 ઓક્ટોમ્બર, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, તેલંગાણા ખાતે વર્ષ 2021 માં યોજાયેલી કોંગ્રેસની રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા એ જનમેદનીનો આ ફોટો છે.
આજ ફોટો કોંગ્રેસના વધુ એક નેતા દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પણ 12 ઓક્ટોમ્બર, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા બંને ફોટા જૂના છે. આ બંને ફોટોને કોંગ્રેસની તાજેતરમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા સાથે કોઈ જ સંબંધ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે બંને ફોટા મૂકવામાં આવ્યા છે એ જૂના છે આ ફોટોને તાજેતરમાં ચાલી રહેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રા સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:લોકોની જંગી ભીડના જૂના ફોટા કોંગ્રેસની ભારત જોડો યાત્રાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
