
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાહનોના ટ્રાફિકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિમાચલ પ્રદેશ ખાતે કુદરતી આફતને કારણે પ્રવાસીઓ પરત ફરી રહ્યા હતા ત્યારે સર્જાયેલા ટ્રાફિક જામનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વાહનોના ટ્રાફિક જામનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પાકિસ્તાનનો છે. આ વીડિયોને હિમાચલ પ્રદેશ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Connect Gujarat નામના ફેસબુક યુઝર દ્વારા 26 જુલાઈ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હિમાચલ પ્રદેશ : કુદરતી આફતોએ દસ્તક દેતાં પ્રવાસીઓ ફરી રહયાં છે પરત હિમાચલ પ્રદેશ : કુદરતી આફતોએ દસ્તક દેતાં પ્રવાસીઓ ફરી રહયાં છે પરત, રસ્તાઓ પર જોવા મળ્યો ટ્રાફિકજામ #HimachalPradesh #HimachalPradeshLandslide #Kinnaur #CGNews. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિમાચલ પ્રદેશ ખાતે કુદરતી આફતને કારણે પ્રવાસીઓ પરત ફરી રહ્યા હતા ત્યારે સર્જાયેલા ટ્રાફિક જામનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને આ વીડિયો ઘણા બધા યુટ્યુબ યુઝર દ્વારા અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. વધુમાં અમને આજ વીડિયો
Entertainment & Information દ્વારા 27 જુલાઈ, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો પાકિસ્તાનના નારન અને કઘાન ઘાટી ખાતે સર્જાયેલા ટ્રાફિક જામનો છે.
અમારી વધુ તપાસમાં અમને સ્થાનિક સમાચારો પરથી એ જાણવા મળ્યું હતું કે, રવિવાર 25 જુલાઈના રોજ પાકિસ્તાનની કઘાન ઘાટી ખાતે વાહનોનું ટ્રાફિક સર્જાયું હતું તેનો આ વીડિયો છે.
24newshd.tv દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પાકિસ્તાનની કઘાન ઘાટી ખાતે પ્રવાસીઓની ભીડ વધતાં સર્જાયેલા ટ્રાફિકનો આ વીડિયો છે.
ડોન અખબારના જણાવ્યા અનુસાર, ઇદની રજા દરમિયાન લગભગ સાત લાખ વાહનોએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. પરિણામે રવિવારે ગિલગીટ-બાલ્ટિસ્તાન તરફ જવાનો માનશેરા-નારન-જલખર માર્ગમાં રવિવારે કઘાન ઘાટી ખાતે વાહનો ટ્રાફિકમાં અટવાયા હતા.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને તાજેતરમાં કઘાન ઘાટીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે,આ સ્વર્ગ સ્વિત્ઝરલેન્ડ કરતાં પણ વધુ સુંદર છે. ત્યારથી આ ક્ષેત્રની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.
તમે આ ટ્રાફિક જામનો વધુ એક વીડિયો નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વાહનોના ટ્રાફિક જામનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પાકિસ્તાનનો છે. આ વીડિયોને હિમાચલ પ્રદેશ સાથે કોઈ જ સંબંધ નથી.

Title:શું ખરેખર હિમાચલ પ્રદેશ ખાતે થયેલા ટ્રાફિકનો આ વીડિયો છે…?
Fact Check By: Vikas VyasResult: False
