મધ્યપ્રદેશમાં મોદીનું મુખોટુ પહેરેલા ભાજપના નેતાને માર મારવાનો વીડિયો બિહારના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો બિહારનો છે જ્યાં ભાજપના નેતા નરેન્દ્ર મોદીનું મુખોટુ પહેરીને આવ્યા તો જનતાએ તેમને મારીને ભગાડી મૂક્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં બનેલી ઘટનાનો છે. જ્યાં ગાંધી જયંતિના દિવસે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ટકરાવ થયો હતો. આ ઘટનાને બિહાર સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ahir Lakhabhai Khungla નામના ફેસબુક યુઝર દ્વારા 13 ઓક્ટોમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બિહાર માં પરિવર્તન ની લહેર. बिहार માં ભા જ પ ન નેતા યે મોદી નું મુખૌટ પેહરી ને આવિયા જનતા ની સામે જનતા યે મારી ને ભગાડી મૂક્યા પછી જોવો શું થાય છે . . આ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો બિહારનો છે જ્યાં ભાજપના નેતા નરેન્દ્ર મોદીનું મુખોટુ પહેરીને આવ્યા તો જનતાએ તેમને મારીને ભગાડી મૂક્યા.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Sadbhawna Paati News દ્વારા 2 ઓક્ટોમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા આજ વીડિયો સાથેના સામાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મધ્યપ્રદેશના ઈન્દોરના રિગલ ચાર રસ્તા પર ગાંધી જયંતિના દિવસે ભાજપના કાર્યકર્તાઓ ગાંદી પ્રતિમાને હાર પહેરાવવા માટે પહોંચ્યા હતા. પરંતુ ત્યાં ભાજપના એખ કાર્યકર્તાએ નરેન્દ્ર મોદીનું મુખોટુ પહેર્યું હોવાથી એ જોઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભડક્યા હતા અને બંને પક્ષો વચ્ચે મારામારીની ઘટના બની હતી.

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Dainik Bhaskar | Daily Hunt | Khabar Duniya

screenshot-www.bhopalsamachar.com-2020.10.19-19_04_52.png

bhopalsamachar.com | Archive

ઉપરોક્ત સમાચાર પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, આ સમગ્ર ઘટનામાં ભાજપના નેતા લક્ષ્મીનારાયણ શર્માને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ઈંન્દોરના તુકોગંજ પોલીસ સ્ટેશનના સબ ઈન્સપેક્ટર સત્યેન્દ્રસિંહ સિસોદિયાનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “વાયરલ વીડિયોમાં બનેલી ઘટના ઈન્દોરના રિગલ સિનેમા પાસેના ગાંધી સ્મારક ખાતેની છે. 2 ઓક્ટોમ્બરના રોજ ભાજપના લક્ષ્મીનારાયણ શર્મા પ્રધાનમંત્રી મોદીના જેવો પહેરવેશ તેમજ મુખોટુ ધારણ કરીને ગાંધી સ્મારક પર માળા પહેરાવવા માટે ગયા હતા. ત્યાર બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ટકરાવ થયો હતો. આ મામલે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે.”

આ ઘટના અંગે વધુ જાણવા માટે અમે સીધો જ ભાજપના કાર્યકર્તા લક્ષ્મીનારાયણ શર્માનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, ગાંધી જયંતિ નિમિત્તે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવો પહેરવેશ અને મુખોટુ પહેરીને ગાંધી સ્મારક પર માળા અર્પણ કરવા ગયો હતો, મેં ત્યાં કોઈની સાથે વાત કરી નહોતી અને કોઈ ભાષણ પણ નહોતું કર્યું. તેમ છતાં કોંગ્રેસના લોકોએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. કોંગ્રેસના લોકોએ ગાંધી જયંતિ પર ગાંધી સ્મારક પર હિંસા કરીને ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતનું પણ માન રાખ્યું નહતું. મેં તેમની સામે તુકોગંજ પોલીસ સ્ટેશનમાં 323, 294 અને 506 કલમો હેઠળ એફઆઈઆર પણ દાખલ કરી છે.

લક્ષ્મીનારાયણ દ્વારા અમને FIR ની કોપી પણ મોકલવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

image6.png

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બિહારનો નહીં પરંતુ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરનો છે જ્યાં ભાજપના કાર્યકર્તા લક્ષ્મીનારાયણ શર્મા સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.

Avatar

Title:મધ્યપ્રદેશમાં મોદીનું મુખોટુ પહેરેલા ભાજપના નેતાને માર મારવાનો વીડિયો બિહારના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False