
તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ચાલી રહેલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાને ભારતને હરાવતાં ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ લોકો દ્વારા જાહેરમાં ફટાકડા ફોડીને નમાજ અદા કરવામાં આવી તો પોલીસ દ્વારા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસ દ્વારા થઈ રહેલા લાઠીચાર્જનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ 19 ઓક્ટોમ્બરના રોજ મધ્યપ્રદેશના જબલપુર ખાતે મુસ્લિમ સમુદાય દ્વારા ઈદ વખતે એક જુલુસ નીકાળવામાં આવ્યું હતું જેનો રુટ નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ એ રુટનું ઉલ્લંઘન કરતાં પોલીસે ટોળા પર લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ વીડિયોને ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
મારું જાંબુઘોડા નામના ફેસબુક પેજ દ્વારા 23 ઓક્ટોમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પાકિસ્તાન જીત્યુ એમાં ભેગા થઈ રોડ ઉપર આતશબાજી કરી જાહેર રસ્તા ઉપર નમાજ પડતા હતા તો યુ.પી પોલીસે સ્વાગત કર્યું જોવો વિડીયો . પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ચાલી રહેલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાને ભારતને હરાવતાં ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ લોકો દ્વારા જાહેરમાં ફટાકડા ફોડીને નમાજ અદા કરવામાં આવી તો પોલીસ દ્વારા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને આ વીડિયોમાં एस दीन टेलर्स નામની એક દુકાન જોવા મળી હતી. આ લખાણને અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, આ નામની દુકાન સુજી મહોલ્લા, ગોહલપુર (જબલપુર) મધ્યપ્રદેશ ખાતે આવેલી છે.
ત્યાર બાદ અમે આ દુકાનના માલિક ઇરફાન સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો મારી જ દુકાનની આગળની ગલીનો છે પણ એ દિવસે મારી દુકાન બંધ હતી કારણ કે, આ વીડિયો 19 ઓક્ટોમ્બરના રોજ ઈદ એ મિલાદના દિવસે મુસ્લિમ સમુદાય દ્વારા એક જુલુસ નીકાળવામાં આવ્યું હતું ત્યારે પોલીસ દ્વારા તેના રુટના ઉલ્લંઘન બદલ લોકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.”
જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઉત્તરપ્રદેશનો નહીં પરંતુ મધ્યપ્રદેશના જબલપુરનો છે.
ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોમાં દેખાતી અન્ય એક દુકાનના બોર્ડ સાથેનો વીડિયો MP Tak અને દિવ્યભાસ્કર દ્વારા 22 ઓક્ટોમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારમાં પ્રાપ્ત થયો હતો.
નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી દુકાન અને સામાચારના વીડિયોમાં દેખાતી એજ દુકાનને જોઈ શકો છો.
ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે આજ વિસ્તારમાં આવેલી એક બીજી દુકાન કે જેનું નામ ગુપ્તાજી સ્ટુડિયો છે તેના માલિક સુમીર ગુપ્તાનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો તેમની જ દુકાનની આગળની ગલીમાં ઈદના દિવસે નીકળેલા જુલુસનો છે. એ દિવસો પોલીસ અને ટોળા વચ્ચે સંઘર્ષ થતાં પોલીસ દ્વારા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.”
અમારી વધુ તપાસમાં અમને ઈદના દિવસે મધ્યપ્રદેશના જબલપુર ખાતે નીકળેલા જુલુસ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. NDTV | Quint Hindi
હવે એ પણ જાણવું જરુરી હતું કે, તાજેતરમાં ચાલી રહેલા ટી20 વિશ્વકપમાં પાકિસ્તાને ભારતને ક્યારે હરાવ્યું હતું?
જેમાં ગુગલ પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, પાકિસ્તાન અને ભારત વચ્ચે તાજેતરમાં દુબઈ ખાતે ચાલી રહેલા ટી20 વિશ્વકપમાં 24 ઓક્ટોમ્બર, 2021 ના દિવસે મેચ રમાઈ હતી. જેમાં પાકિસ્તાને 29 વર્ષ પછી વિશ્વકપમાં ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. જ્યારે પોસ્ટમાં જે પોલીસ દ્વારા કરવામાં આવેલી ઘટનાનો વીડિયો મૂકવામાં આવ્યો છે એ આ મેચ પહેલાં એટલે કે 19 ઓખ્ટોમ્બરના રોજ બનેલી ઘટનાનો છે અને આ વીડિયો આ મેચ પહેલાંથી જ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસ દ્વારા થઈ રહેલા લાઠીચાર્જનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ 19 ઓક્ટોમ્બરના રોજ મધ્યપ્રદેશના જબલપુર ખાતે મુસ્લિમ સમુદાય દ્વારા ઈદ વખતે એક જુલુસ નીકાળવામાં આવ્યું હતું જેનો રુટ નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ એ રુટનું ઉલ્લંઘન કરતાં પોલીસે ટોળા પર લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ વીડિયોને ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ સાથે કોઈ જ સંબંધ નથી.

Title:શું ખરેખર ઉત્તરપ્રદેશમાં પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડીને જાહેરમાં નમાજ કરતા મુસ્લિમો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો…?
Fact Check By: Vikas VyasResult: False
