
Kishan Joshi નામના ફેસબુક યુઝર દ્વારા 18 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોટેરા સ્ટેડિયમ ની એક ઝલક નમસ્કાર તૈયાર થઇ જાઓ #નમસ્તેટ્રમ્પ માટે 🙏 #આપણાઅમદાવાદ ને વૈશ્વિક પ્રેક્ષકો સમક્ષ ભારતીય સંસ્કૃતિ અને વિવિધતા પ્રસ્તુત કરવાની મળી છે ઐતિહાસિક તક આવો, #BiggestRoadShowEver માટે જોડાઈએ #IndiaRoadShow 🇮🇳 🇮🇳.
આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનો છે. આ પોસ્ટને 76 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 2 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. 1000 થી વધુ લોકો દ્વારા આ વીડિયો જોવામાં આવ્યો હતો. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા આ પોસ્ટને વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે વીડિયોને ધ્યાનથી જોતાં વીડિયોમાં સૌપ્રથમ અને સૌથી અંતમાં Perth Stadium લખેલું જોવા મળ્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો.

ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને Optus Stadium દ્વારા 14 નવેમ્બર, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ઓસ્ટ્રેલિયામાં આવેલા પર્થ ક્રિકેટ સ્ટેડિયમનો લાઈટીંગનો અદભૂત નજારો. જેમાં 15000 થી વધુ LED લાઈટો લગાવવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. austadiums.com | insidesport.co | AussieTV
અમારી વધુ તપાસમાં અમને અમાદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાની સંપૂર્ણ જાણકારી આપતા News18 Gujarati દ્વારા 23 જાન્યુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં તમે સંપૂર્ણ સ્ટેડિયમ જોઈ શકો છો.
અન્ય સમાચાર તમે અહીં જોઈ શકો છો. Zee 24 Kalak | ABP Asmita
આ તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2017 નો છે અને એ પણ ઓસ્ટ્રેલિયામાં આવેલા પર્થ ક્રિકેટ સ્ટેડિયમનો છે. જેને અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાના નામે ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2017 નો છે અને એ પણ ઓસ્ટ્રેલિયામાં આવેલા પર્થ ક્રિકેટ સ્ટેડિયમનો છે. જેને અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાના નામે ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:ઓસ્ટ્રેલિયાના પર્થ ક્રિકેટ સ્ટેડિયમનો વીડિયો અમદાવાદના મોટેરા સ્ટેડિયમના નામે વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
