
Yakubali Pasheriya નામના ફેસબુક યુઝર દ્વારા 20 ડિસેમ્બર,2019 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, अगर मिडिया नही दिखायगा तो हमे ही पुरे भारत को यह दिखाना होगा । Shah-E-Alam paththar mara pehle ka video.MEDIA SIRF IS GHTNNA KE BAAD KA PUBLIC REACTION BATA RAHI HAI. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં થયેલી હિંસા પહેલા પોલીસ દ્વારા પ્રદર્શન કરી રહેલા લોકો પર કરવામાં આવેલા લાઠીચાર્જનો છે. આ પોસ્ટને 27 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 4 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 43 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ વીડિયો અમાદાવાદમાં CAA ના વિરોધમાં શાહઆલમ વિસ્તારમાં લોકો દ્વારા કરવામાં આવેલા પ્રદર્શન પહેલા પોલીસ દ્વારા તેમના પર કરવામાં આવેલા લાઠીચાર્જનો છે કે કેમ? એ જાણવા સૌપ્રથમ અમે આ વીડિયોને InVID ટુલ્સની મદદથી સર્ચ કરતાં અમને Gorakhpur Live દ્વારા યુટ્યુબ પર 19 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં લખનૌ ખાતે પ્રદર્શનકારીઓ દ્વારા વાહનોમાં તોડફોડ અને આગ લગાવવામાં આવતાં આ હિંસક પ્રદર્શનને રોકવા માટે પોલીસ દ્વારા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તેનો આ વીડિયો છે. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને TV9 Bharatvarsh દ્વારા પણ આ સમાચારને 19 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
અન્ય કેટલાક મીડિયા હાઉસ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Republic World | Archive | asianetnews.com | Archive
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે અમારી તપાસને આગળ વધારતાં અમને Ahmedabad Police દ્વારા તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પણ આ વીડિયો અમદાવાદનો નહીં પરંતુ લખનૌનો હોવાની માહિતી આપવામાં આવી હતી. તેમજ જે પણ વ્યક્તિ આ પ્રકારે ખોટા વીડિયો કે ફોટો શેર કરશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવોલો વીડિયો અમદાવાદનો નહીં પરંતુ લખનૌનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં થયેલી હિંસાનો નહીં પરંતુ લખનૌ ખાતે નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં પ્રદર્શનકારીઓ દ્વારા વાહનોમાં તોડફોડ અને આગ લગાવવામાં આવતા આ હિંસક પ્રદર્શનને રોકવા માટે પોલીસ દ્વારા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તેનો છે.

Title:ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે CAA ના હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરાયેલ લાઠીચાર્જનો વીડિયો અમદાવાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
