જાણો તાજેતરમાં અયોધ્યા રામ મંદિરના નામે વાયરલ થઈ રહેલા હવનકુંડના વીડિયોનું શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર હવનકુંડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવનકુંડનો આ વીડિયો અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયાર કરવામાં આવેલા 25 હજાર હવનકુંડનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અયોધ્યા ખાતે તૈયાર કરવામાં આવેલા હવનકુંડનો નહીં પરંતુ થોડાક સમય પહેલાં વારાણસી ખાતે જે સ્વર્વેદ મહામંદિર ધામનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું એ સમયે તૈયાર કરવામાં આવેલા હવનકુંડનો છે. આ વીડિયોને અયોધ્યા રામ મંદિર સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 2 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, 25 હજાર હન કુડ સે હોગા રામ મંદિર કા ઉદઘાટન. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવનકુંડનો આ વીડિયો અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયાર કરવામાં આવેલા 25 હજાર હવનકુંડનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોનો મૂળ વીડિયો અમને 18 ડિસેમ્બર, 2023 ના રોજ banarasiboy0001 નામના એકાઉન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેની સાથે હેશટેગમાં સ્વર્વેદ મહામંદિર ધામ લખેલું છે. તમે નીચે આ વીડિયો જોઈ શકો છો.
આમાં તમે વાયરલ વીડિયો જોઈ શકો છો. વીડિયોમાં સ્વર્વેદ મહામંદિર લખેલું છે જેના પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે, આ વીડિયો તે મંદિરનો છે. તેમાં દેખાતા વ્યક્તિ જણાવી રહ્યા છે કે, ત્યાં 25 હજાર હવન કુંડની પૂજા થશે. મંદિરનું ઉદ્ઘાટન થશે અને વડાપ્રધાન મોદી ત્યાં આવશે. તેમાં હેલિપેડનો પણ ઉલ્લેખ છે જ્યાં વડાપ્રધાન મોદી અને અન્ય વરિષ્ઠ નેતાઓ ઉતરશે. તેમાં એવો પણ ઉલ્લેખ છે કે, વડાપ્રધાન 18મીએ ત્યાં જશે.
પછી અમે એ જાણવાની કોશિશ કરી કે, સ્વર્વેદ મહામંદિર ક્યાં આવેલું છે? તો તપાસ દરમિયાન અમને ખબર પડી કે, આ મંદિર વારાણસીમાં આવેલું છે.
આ માહિતીને ધ્યાનમાં રાખીને, અમે YouTube પર કીવર્ડ્સ સર્ચ કરતાં અમને 18 ડિસેમ્બરે ભારતીય જનતા પાર્ટીની સત્તાવાર ચેનલ પર લાઇવ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં એવું કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદી સ્વર્વેદ મહામંદિરનું ઉદ્ઘાટન કરવા વારાણસી પહોંચ્યા હતા. આ વીડિયોમાં વાયરલ વીડિયોમાં જે હવન કુંડનો ઉલ્લેખ છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં ઉલ્લેખ કરવામાં છે કે, સ્વર્વેદ મંદિરના ઉદ્ઘાટન સમયે 25 હજાર હવનકુંડ થકી હવન કરવામાં આવ્યો હતો.
17 ડિસેમ્બરના રોજ પ્રકાશિત જાગરણના અહેવાલમાં જણાવાયું છે કે, વિહંગમ યોગ સંત સમાજનો 100 દિવસીય વાર્ષિક ઉત્સવ શરૂ થયો છે. તે પ્રસંગે, 18 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન મોદી વારાણસીમાં બનેલા સ્વર્વેદ મહામંદિરના પહેલા માળનું ઉદ્ઘાટન કરવા ત્યાં ગયા હતા. તે જ સમયગાળા દરમિયાન, ત્યાં 25,000 હવન કુંડો સાથે હવન કરવામાં આવ્યો હતો. આ વીડિયો એ જ ઘટનાનો છે.
અંતે અમે અયોધ્યા રામ મંદિરનો સંપર્ક કર્યો અને વીડિયો સંબંધિત સ્પષ્ટતા મેળવી. સંતોષ કુમાર નામના કર્મચારીએ આ માહિતી આપી હતી કે, વર્તમાન સંદર્ભમાં આ પ્રકારનો હવન કુંડ બનાવવામાં આવ્યો નથી. વાયરલ વીડિયોમાં દેખાડવામાં આવેલ હવન કુંડને રામ મંદિર અયોધ્યા સાથે કોઈ જ સંબંધ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અયોધ્યા ખાતે તૈયાર કરવામાં આવેલા હવનકુંડનો નહીં પરંતુ થોડાક સમય પહેલાં વારાણસી ખાતે જે સ્વર્વેદ મહામંદિર ધામનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું એ સમયે તૈયાર કરવામાં આવેલા હવનકુંડનો છે. આ વીડિયોને અયોધ્યા રામ મંદિર સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:જાણો તાજેતરમાં અયોધ્યા રામ મંદિરના નામે વાયરલ થઈ રહેલા હવનકુંડના વીડિયોનું શું છે સત્ય....
Written By: Vikas VyasResult: False