તાજેતરમાં સોશિયલ મીડિયા પર આતંકવાદી મસૂદ અઝહરના મોતના નામે બ્લાસ્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બ્લાસ્ટનો આ વીડિયો આતંકવાદી મસૂદ અઝહરના મોત સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ આતંકવાદી મસૂદ અઝહરના મોતનો નહીં પરંતુ પાકિસ્તાનમાં 3 નવેમ્બર, 2023 ના રોજ થયેલા બ્લાસ્ટનો છે. આ વીડિયોને મસૂદ અઝહરના મોત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 1 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ~ બીસ સાલ બાદ ~ મસૂદ અઝહર - ભારતના ઇતિહાસનું દુઃખદ પ્રકરણ. આજે અજાણ્યા લોકોએ બૉમ્બ બ્લાસ્ટ કર્યો અને એમાં મસૂદ ખતમ થયો. એ અજાણ્યા લોકો કોણ છે, કોને ખબર! પણ એમનો સમગ્ર ભારતીયો વતી આભાર . પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બ્લાસ્ટનો આ વીડિયો આતંકવાદી મસૂદ અઝહરના મોત સમયનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સાથેના સમાચાર 3 નવેમ્બર, 2023 ના રોજ ઈન્ડિયા ટુડે ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાન શહેરમાં ગોળીબાર બાદ આ વિસ્ફોટ થયો હતો. જેમાં ટાંકી અડ્ડા ક્ષેત્રમાં પોલીસ પેટ્રોલિંગ વાનને નિશાન બનાવવામાં આવી હતી. આ ઘટનામાં 5 લોકોના મોત અને 21 લોકો ઘાયલ થયાના અહેવાલ છે.

3 નવેમ્બર, 2023 ના રોજ વિઓન ન્યૂઝના અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં થયેલા વિસ્ફોટમાં પાંચ લોકો માર્યા ગયા હતા. ડેરા ઈસ્માઈલ ખાન શહેરમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બ્લાસ્ટ થયો હતો. મળતી માહિતી મુજબ, પોલીસને નિશાન બનાવીને વિસ્ફોટ કરવા માટે રસ્તા પર એક બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ આતંકવાદી મસૂદ અઝહરના મોતનો નહીં પરંતુ પાકિસ્તાનમાં 3 નવેમ્બર, 2023 ના રોજ થયેલા બ્લાસ્ટનો છે. આ વીડિયોને મસૂદ અઝહરના મોત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:પાકિસ્તાન ખાતે થયેલા બ્લાસ્ટનો જૂનો વીડિયો આતંકવાદી અઝહર મસૂદના મોતના નામે વાયરલ

Written By: Vikas Vyas

Result: False