
તાજેતરમાં સોશિયલ મીડિયા પર જીવતા દીપડાને પકડીને તેને દોરડા વડે બાંધીને તેની પજવણી કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમીરગઢ તાલુકાના ધનપુરા ગામે આદિવાસીઓએ જીવતા દીપડાને પકડી લીધો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમીરગઢ તાલુકાના ધનપુરા ગામનો નહીં પરંતુ દાહોદ તાલુકાના ધાનપુર ગામનો છે એવું અમને કેટલાક મીડિયા માધ્યમો તેમજ બારીયાના નાયબ વન સંરક્ષક દ્વારા જમાવવામાં આવ્યું છે. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Prashant Chavda નામના ફેસબુક યુઝર દ્વારા 29 સપ્ટેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અમીરગઢ તાલુકાના ધનપુરા ગામમાં આદિવાસીઓ એ જીવતાં દીપડા ને પકડી લીધો જબરી હિંમત છે દીપડા સાથે બાથ ભીડનાર ની વીડિયો સોર્સ – વોટ્સએપ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમીરગઢ તાલુકાના ધનપુરા ગામે આદિવાસીઓએ જીવતા દીપડાને પકડી લીધો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને Zee 24 Kalak દ્વારા 27 સપ્ટેમ્બર, 2021 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, દાહોદના દુધામણી ગામે દીપડાને દોરડા વડે બાંધીને ગ્રામજનો દ્વારા પજવણી કરવામાં આવી.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. gujarati.oneindia.com
ત્યાર બાદ અમે દાહોદ ખાતેના એક ખાનગી ચેનલના પત્રકાર સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો દાહોદના દુધામણી ગામનો જ છે. આ ઘટના અંગે પોલીસે 3 ઈસમોની ધરપકડ પણ કરી છે.”
તેમના દ્વારા અમને દીપડાના રિસ્ક્યુ કરવાના કેટલાક વીડિયો પણ મોકલવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે દાહોદના બારીયા ખાતેના નાયબ વન સંરક્ષક અધિકારી આર.એમ.પરમારનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો દાહોદના ધાનપુરના દુધામણી ગામનો છે જ્યાં કેટલાક લોકો દ્વારા દીપડાને પકડીને પજવણી કરવામાં આવતી હોવાની માહિતી અમને મળતાંની સાથે જ અમારી ટીમે ઘટનાસ્થળે પહોંચીને દીપડાનું રિસ્ક્યુ કર્યું હતું અને તેની પ્રાથમિક સારવાર પણ કરી હતી. વધુમાં અમે દીપડાની પજવણી કરનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરતાં પોલીસ દ્વારા આ મામલે 3 ઈસમોની ધરપકડ પણ કરવામાં આવી છે.”
અમારી વધુ તપાસમાં અમને દીપડાની પજવણી મામલે 3 ઈસમોની ધરપકડ થઈ હોવાના સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Spark Today News | Live 24 News Guajarat | Panchayat Samachar
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમીરગઢ તાલુકાના ધનપુરા ગામનો નહીં પરંતુ દાહોદ તાલુકાના ધાનપુર ગામનો છે એવું અમને કેટલાક મીડિયા માધ્યમો તેમજ બારીયાના નાયબ વન સંરક્ષક દ્વારા જમાવવામાં આવ્યું છે.

Title:શું ખરેખર અમીરગઢના ધનપુરા ગામે લોકોએ જીવતા દીપડાને પકડી લીધો…?
Fact Check By: Vikas VyasResult: False
