આમ આદમી પાર્ટીના વિરોધમાં પ્રચાર કરી રહેલા ખેડૂતોનો વીડિયોનું જાણો શું છે સત્ય…

False રાજકીય I Political

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે એક શીખ સમુદાયના ખેડૂતોનો આમ આદમી પાર્ટીના વિરોધનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબના શીખ સમુદાયના લોકો ગુજરાતમાં ગામે-ગામ ફરીને ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટી અને કેજરીવાલને વોટ ના કરવાની અપીલ કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં આમ આદમી પાર્ટીનો વિરોધ કરી રહેલા શીખ સમુદાયના લોકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ હરિયાણાના ખૈરમપુર ગામનો છે. આ વીડિયોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Maheshkumar Trivedi Limbdi નામના ફેસબુક યુઝર દ્વારા 7 નવેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, पंजाब के लोग वोह सरदार जी गुजरात के गांव गांव घूम घूम कर गुजराती प्रजा से अपील कर रहे है, जो गलती पंजाबियों ने की वो आप गुजराती लोग मत करना इस धूर्त गिरगिट जुठालाल बड़बोले अरविंद केजरीवाल।की बातों मै मत आना आम आदमी पार्टी को वोट मत देना, हमारी भूल आपके लिए सबक है आप को वोट मत देना।. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબના શીખ સમુદાયના લોકો ગુજરાતમાં ગામે-ગામ ફરીને ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટી અને કેજરીવાલને વોટ ના કરવાની અપીલ કરી રહ્યા છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને 0.46 મિનિટે એક બોર્ડ જોવા મળ્યું હતું. જેના પર ખૈરમપુર લખેલું હતું. જે તમે નીચે જોઈ શકો છો.

ત્યાર બાદ અમે ખૈરમપુર ક્યાં આવેલું છે? તે જાણવા માટે ગૂગલ પર કીવર્ડ સર્ચ કરતાં અમને જાણવા મળ્યું કે, ખૈરમપુર હરિયાણાના હિસાર જિલ્લાના આદમપુર તાલુકામાં આવેલું છે. આગળ આ વીડિયોમાં આપણે હરિયાણા અને આદમપુરનું નામ પણ સાંભળ્યું છે. અમે એક વ્યક્તિને એક પત્રકારને ઇન્ટરવ્યુ આપતા સાંભળ્યા છે કે, તે હરિયાણાના લોકોને AAPને મત ન આપવા વિનંતી કરી રહ્યો છે. જેના પરથી અમે અનુમાન લગાવ્યું કે, આ વીડિયો હરિયાણાનો છે.

પછી અમે આને ધ્યાનમાં રાખીને ફેસબુક પર કીવર્ડ સર્ચ કરતાં અમને 1 નવેમ્બરના રોજ IBN24 ન્યૂઝ હરિયાણા નામના ફેસબુક પેજ પર આ જ ઘટનાનો લાઇવ વીડિયો પ્રસારિત થયેલો જોવા મળ્યો હતો. જેમાં એક રિપોર્ટર આ ઘટનાની જાણ કરતો જોવા મળે છે. આ વીડિયો સાથે આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, પંજાબના પૂર્વ સૈનિકો આદમપુરના ખૈરમપુરમાં આમ આદમી પાર્ટીના વિરોધમાં આવ્યા છે. તેઓ કહે છે કે, આપ સિવાય બીજાને મત આપો પણ આપને નહીં.

Archive

તેમાં લોકો કહી રહ્યા છે કે, પંજાબમાં ખેડૂતો, મજૂરો, વિદ્યાર્થીઓ, પૂર્વ સૈનિકો બધા પરેશાન છે. યુવક-યુવતીઓ નશાના આદી બની ગયા છે. આમ આદમી પાર્ટીએ રાજ્યને નશામુક્ત બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ તેમણે વચન પૂરું કર્યું નથી.

તમને જણાવી દઈએ કે, આ વીડિયોમાં અમે એ જ રિપોર્ટરને જોયો છે જે વાયરલ વીડિયોમાં છે. અને બંને વીડિયોમાં રિપોર્ટર અને વ્યક્તિ વચ્ચેની વાતચીત બતાવવામાં આવી છે. તમે નીચે આ બંને વીડિયો વચ્ચેની સમાનતા જોઈ શકો છો.

ઉપરોક્ત સંશોધન પરથી કહી શકાય કે, બંને વીડિયો એક જ સ્થળ અને ઘટનાના છે. IBN24 ન્યૂઝ હરિયાણાના વીડિયોમાં રિપોર્ટરે શરૂઆતમાં જ કહ્યું છે કે, તે આદમપુર વિધાનસભાના ખૈરમપુર ગામમાંથી રિપોર્ટિંગ કરી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે, પંજાબના પૂર્વ સૈનિકો આદમપુરમાં ચાલી રહેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિરોધ કરવા આવ્યા છે.

આ પછી અમે IBN24 ન્યૂઝ હરિયાણાની ઓફિસમાં બબલી નામના પત્રકારનો સંપર્ક કર્યો. તેણે અમને કહ્યું કે, “વાયરલ વીડિયો હરિયાણાના ખૈરમપુરનો છે. આમાં જોવા મળતો પત્રકાર અમારી ન્યૂઝ ચેનલનો જ છે. આદમપુરમાં વિધાનસભા બેઠક માટેની પેટા-ચૂંટણીઓ 3 નવેમ્બરના રોજ યોજવામાં આવી હતી, આ વીડિઓ તે સમયનો જ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આમ આદમી પાર્ટીનો વિરોધ કરી રહેલા શીખ સમુદાયના લોકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ હરિયાણાના ખૈરમપુર ગામનો છે. આ વીડિયોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:આમ આદમી પાર્ટીના વિરોધમાં પ્રચાર કરી રહેલા ખેડૂતોનો વીડિયોનું જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False