મુખ્યમંત્રી વિજય રુપાણીનો વર્ષ 2019 નો ઉત્તરાયણ ઉજવણીનો ફોટો ભ્રામક માહિતી સાથે વાયરલ... જાણો શું છે સત્ય....
તાજેતરમાં ઉત્તરાયણ પર્વના સમાચારો સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ગુજરાતના વિજય રૂપાણી દ્વારા ઉજવવામાં આવેલા ઉત્તરાયણના પર્વનો છે જ્યાં કોરોનાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2019 માં ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ઉજવવામાં આવેલા ઉત્તરાયણના પર્વનો છે. આ ફોટોને કોરોના મહામારી સાથે કોઈ સંબંધ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Shailesh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 15 જાન્યુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, 5 લોકો થી વધારે ધાબે નહિ રહેવાનું: મોદી સરકાર.. કેટલા છે ગણો તો ? કાયદો લાગુ પડે કે જનતાને જ લાગુ પડે ? શેયર કરો. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ગુજરાતના વિજય રૂપાણી દ્વારા ઉજવવામાં આવેલા ઉત્તરાયણના પર્વનો છે જ્યાં કોરોનાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Connect Gujarat TV પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 15 જાન્યુઆરી, 2019 ના રોજ અપલોડ કરવામાં આવેલા એક વીડિયો સમાચારમાં પ્રાપ્ત થયો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૩૦વર્ષ જૂની પરંપરા યથાવત રાખી, ડર્ટી ડઝન ગ્રૂપ સાથે ઉજવી ઉત્તરાયણ.
આજ માહિતી અને ફોટો સાથેના સમાચાર અમને Sandesh News દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપના સાંસદ અભય ભારદ્વાજના થયેલા નિધનને કારણે આ વર્ષે ઉત્તરાયણ પર્વની ઉજવણી નહીં કરે.
ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ વર્ષે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં નહતી આવી. પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2019 માં કરવામાં આવેલા ઉત્તરાયણ પર્વની ઉજવણીનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2019 માં ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ઉજવવામાં આવેલા ઉત્તરાયણના પર્વનો છે. આ ફોટોને કોરોના મહામારી સાથે કોઈ સંબંધ નથી.
Title:મુખ્યમંત્રી વિજય રુપાણીનો વર્ષ 2019 નો ઉત્તરાયણ ઉજવણીનો ફોટો ભ્રામક માહિતી સાથે વાયરલ...
Fact Check By: Vikas VyasResult: False