શું ખરેખર જમ્મુ રોહિંગ્યા મુસ્લિમોના ઘરનું ડિમોલેશન કરવામાં આવ્યુ...? જાણો શું છે સત્ય....
હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રશાસન દ્વારા પોલીસ અને અન્ય કર્મચારીઓને સાથે રાખી મકાનો પાડવામાં આવી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કાશ્મીરમાં રોહિંગ્યાઓ દ્વારા ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી ઇમારતો સરકાર દ્વારા તોડી પાડવામાં આવી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, LAWDA ના અધિકારીના જણાવ્યા મુજબ દલ તળાવ નજીકના ગ્રીન બેલ્ટમાં બનાવવામાં આવેલી ગેર કાયદેસર ઈમારતોને તેઓએ તોડી નાખી છે. આ એક નિયમિત પ્રક્રિયા છે. આ ઘટનાનો રોહિંગ્યા સાથે કોઈ લેવા-દેવા નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Hemsagar Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 09 જૂન 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કાશ્મીરમાં રોહિંગ્યાઓ દ્વારા ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી ઇમારતો સરકાર દ્વારા તોડી પાડવામાં આવી.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને યુટ્યુબ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “જમ્મુ-કાશ્મીરમાં ભૂમિ અને જળ વિકાસ સત્તામંડળ (LAWDA) દલ તળાવ નજીક ગેરકાયદેસર બિલ્ડિંગો તોડી પાડ્યાનો આ વિડિયો છે.”
LAWDAના એન્ફોર્સમેન્ટ અધિકારી અબ્દુલ અઝીઝ કાદરી અધિકારીઓને ટીમનું નેતૃત્વ કરતા જોવા મળે છે. આ ટીમે શ્રીનગરમાં દલ તળાવ પાસે ગ્રીન બેલ્ટમાં ગેરકાયદેસર ઇમારતો તોડી હતી. શ્રીનગરના લશ્કરી મહોલ્લા, દોજી મહોલ્લા, બુર્જમા, વાંગુટ તેલબલ અને નિશાત વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. નીચે આ કાર્યવાહી અંગે મિડિયાને એન્ફોર્સમેન્ટ ઓફિસર અબ્દુલ અઝીઝ કાદરી બ્રિફ કરી રહ્યા છે.
કાયદા મુજબ કોઈને પણ દલ તળાવ નજીક ગ્રીન બેલ્ટ પર ઇમારતો બનાવવાની મંજૂરી નથી. જ્યારે LAWDAને માહિતી મળી કે આમાંથી કેટલીક ઇમારતો ગ્રીન બેલ્ટમાં બનાવવામાં આવી છે, ત્યારે તેઓએ તેને તોડી નાખી. આ એક નિયમિત પ્રક્રિયા છે. આ ઘટનાનો રોહિંગ્યા સાથે કોઈ લેવા-દેવા નથી. નીચે બે વર્ષ પહેલાં LAWDA દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો વિડિયો છે જે તમે જોઈ શકો છો.
ત્યારબાદ અમે લેક્સ એન્ડ વોટર-વે ડેવલપમેન્ટ ઓથોરિટીના એન્ફોર્સમેન્ટ ઓફિસર (Dy SP)અબ્દુલ અઝીઝ કાદરીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ નિયમિત ડ્રાઇવ છે જે અમે આ વિસ્તારમાંથી ગેરકાયદે બાંધકામો અને અતિક્રમણને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. અમે દળ અને અન્ય ગ્રીન બેલ્ટ ક્ષેત્રના સંરક્ષણ તરફ કામ કરી રહ્યા છીએ, જેના કારણે અમે તે ક્ષેત્રમાં જ્યાં બાંધકામની મંજૂરી નથી ત્યાં ગેરકાયદેસર બાંધકામોને કાઢી અને તોડી નાખીએ છીએ.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, LAWDA ના અધિકારીના જણાવ્યા મુજબ દલ તળાવ નજીકના ગ્રીન બેલ્ટમાં બનાવવામાં આવેલી ગેર કાયદેસર ઈમારતોને તેઓએ તોડી નાખી છે. આ એક નિયમિત પ્રક્રિયા છે. આ ઘટનાનો રોહિંગ્યા સાથે કોઈ લેવા-દેવા નથી.
Title:શું ખરેખર જમ્મુ રોહિંગ્યા મુસ્લિમોના ઘરનું ડિમોલેશન કરવામાં આવ્યુ...?
Fact Check By: Yogesh KariaResult: False