લંડનમાં મંદિર પર હુમલો કરનારને લોકોએ જાહેરમાં માર માર્યો હોવાના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિને પોલીસ લઈ જઈ રહી છે અને બીજા લોકો તેને જાહેરમાં માર મારી રહ્યા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લંડન ખાતે હિન્દૂ મંદિર પર હુમલો કરનારા આરોપીને લંડનમાં રહેતા હિન્દૂઓએ માર માર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ લંડન ખાતે ઈરાની એમ્બેસીના સામે થઈ રહેલા હિજાબ વિરોધી પ્રદર્શનનો છે. આ વીડિયોને હિન્દૂ મંદિર કે હિન્દૂઓ સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sanatan Prem નામના ફેસબુક પેજ દ્વારા 08 ઓક્ટોમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મંદિર પર હુમલો કરનાર ને લંડન ના હિન્દૂઓ મેથી પાક આપ્યો… પોલીસ પણ સદમા માં .. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે લંડન ખાતે હિન્દૂ મંદિર પર હુમલો કરનારા આરોપીને લંડનમાં રહેતા હિન્દૂઓએ માર માર્યો તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને લંડન ખાતે આવી કોઈ ઘટના બની છે કે કેમ? જેમાં કોઈ વ્યક્તિએ મંદિર પર હુમલો કર્યો હોય અને પોલીસે તેની ધરપકડ કરી હોય પરંતુ અમને એવી કોઈ વેબસાઇટ મળી ન હતી જેમાં આ ઘટના વિશે માહિતી આપવામાં આવી હોય.

ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને ડેઈલી મેલ નામની એક યુટ્યુબ ચેનલ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોનો એક ભાગ 26 સપ્ટેમ્બર, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોમાં તમે 3.17 મિનિટ પછી વાયરલ વીડિયોમાં બતાવેલ દ્રશ્યો જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત વીડિયો સાથે આપવામાં આવેલી માહિતીમાં એવું કહેવામાં આવ્યું છે કે, આ વીડિયો લંડનમાં ઈરાન એમ્બેસીની સામે હિજાબ વિરોધી આંદોલનનો છે. એવું કહેવામાં આવ્યું છે કે, પ્રદર્શન દરમિયાન ધાર્મિક સરઘસના સભ્યો અને વિરોધીઓ વચ્ચે અથડામણ થઈ હતી અને એજ આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, ગયા મહિને 16 સપ્ટેમ્બરના રોજ મહસા અમીની નામની 22 વર્ષની ઈરાની યુવતીનું ઈરાનના તેહરાનની એક હોસ્પિટલમાં પોલીસ કસ્ટડી દરમિયાન મોત થયું હતું. હકીકતમાં, મહસાએ ઈરાન સરકારના નિયમો અનુસાર હિજાબ પહેર્યો ન હતો, જેના કારણે પોલીસે તેની ધરપકડ કરી. રિપોર્ટ અનુસાર તેનો હિજાબ ઘણો ઢીલો હતો અને તેના વાળ પણ દેખાતા હતા. પોલીસે આ કેસમાં દાવો કર્યો છે કે, મહસાને પોલીસ સ્ટેશનમાં હાર્ટ એટેક આવ્યો અને તે નીચે પડી ગયા બાદ કોમામાં ચાલી ગઈ. પરંતુ તેની સાથે અટકાયતમાં લેવામાં આવેલી અન્ય છોકરીઓએ કહ્યું કે, પોલીસ કસ્ટડીમાં મહસાને ખૂબ માર મારવામાં આવ્યો અને તેથી તેનું મૃત્યુ થયું છે.

જેના કારણે સમગ્ર ઈરાનમાં સરકાર અને હિજાબ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા હતા. ત્યારબાદ ઈરાનની સાથે ઈંગ્લેન્ડ, અમેરિકા, ફ્રાન્સ જેવા અન્ય દેશોમાં પણ વિરોધ પ્રદર્શન ચાલુ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ લંડન ખાતે ઈરાની એમ્બેસીના સામે થઈ રહેલા હિજાબ વિરોધી પ્રદર્શનનો છે. આ વીડિયોને હિન્દૂ મંદિર કે હિન્દૂઓ સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:લંડનમાં મંદિર પર હુમલો કરનારને લોકોએ જાહેરમાં માર માર્યો હોવાના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False