શું ખરેખર ઈઝરાયલ દ્વારા તાજેતરમાં ઉડાવી દેવામાં આવેલી હમાસની મસ્જીદનો આ વીડિયો છે...? જાણો શું છે સત્ય....
તાજેતરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે એકબીજા પર મિસાઈલ હુમલા ચાલી રહ્યા છે. તેના સમાચારોએ અને વીડિયોએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે ત્યારે મસ્જીદમાં બ્લાસ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈઝરાયલ દ્વારા મસ્જીદ ઉડાવી દેવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2014 માં બનેલી ઘટનાનો છે. જેમાં ISIS દ્વારા સિરિયાની એક મસ્જીદને ઉડાવી દેવામાં આવી હતી. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
चाणक्य शिष्य मयूर નામના ફેસબુક યુઝર દ્વારા 13 મે, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ વિડીયો નો અંતભાગ જોઈને તમે ખુશ ના થાવ તો મને અનફોલો કરી દેજો. ઈજરાયેલ ફૂલ ફોર્મ માં છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈઝરાયલ દ્વારા મસ્જીદ ઉડાવી દેવામાં આવી તેનો આ વીડિયો છે.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Mint દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 26 ઓગષ્ટ, 2015 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ISIS દ્વારા 5 પ્રાચીન સ્થળોને નષ્ટ કરવામાં આવ્યા.
અમારી વધુ તપાસમાં અમને alarabi.press નામની એક અરબી વેબસાઈટ પર પણ આજ વીડિયો સાથેનો એક અહેવાલ 9 જૂન, 2014 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સાઉદીના આતંકવાદીઓ દ્વારા સિરિયાની અવૈસ-અલ-કુરાની મસ્જીદને ઉડાવી દેવામાં આવી તેનો આ વીડિયો છે.
આજ માહિતી સાથેના અન્ય અહેવાલ પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છે. zohreanaforum.com | tr.abna24.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2014 માં બનેલી ઘટનાનો છે. જેમાં ISIS દ્વારા સિરિયાની એક મસ્જીદને ઉડાવી દેવામાં આવી હતી.
Title:શું ખરેખર ઈઝરાયલ દ્વારા તાજેતરમાં ઉડાવી દેવામાં આવેલી હમાસની મસ્જીદનો આ વીડિયો છે...?
Fact Check By: Vikas VyasResult: False