
તાજેતરમાં સોશિયલ મીડિયા પર જંગલના રાજા સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જંગલના રાજા સિંહને તેની આખરી ક્ષણોમાં યમના દૂત દેખાતા હોવાથી તે મોતથી બચવા માટે ભાગી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં સિંહ CDV એટલે કે કેનિન ડિસ્ટેમ્પર નામના વાયરસનો ભોગ બન્યો હોવાને કારણે આ પ્રકારનું વર્તન કરી રહ્યો છે. તેને યમના દૂત દેખાઈ રહ્યા હોવાની માહિતી ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Mukesh Patel Hindustani નામના ફેસબુક યુઝર દ્વારા 26 જાન્યુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, એક અજીબ વિડિઓ, જેણે જંગલ ના રાજા ની આખરી ક્ષણ ને નજીક થી જોઈ.. અેને જોઇને લાગ્યુ કે કોઈ અજીબ શક્તિ પીછો કરી રહી હોય તેવો અહેસાસ થયો. જેમ કે મોત નો દૂત તેને જોઈ રહ્યો છે. અને તે ભાગવાની કોશિસ કરી રહ્યો છે, તેને મોત નો અહેસાસ થઈ ગયો છે અને તે જંગલ નો સર્વશક્તિમાન રાજા હોવા છતાં ય કઇં પણ કરી શકવાને અસમર્થ છે, આને જ કદાચ ઇસ્વર ની શક્તિ કહે છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જંગલના રાજા સિંહને તેની આખરી ક્ષણોમાં યમના દૂત દેખાતા હોવાથી તે મોતથી બચવા માટે ભાગી રહ્યો છે.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને LionResearchCenter નામની યુટ્યુબ ચેનલ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો વર્ષ 2014 માં આપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, CDV એટલે કે કેનિન ડિસ્ટેમ્પરને કારણે સિંહને એક પ્રકારનો એટેક આવ્યો તેનો આ વીડિયો છે.
આજ માહિતી સાથેના અન્ય વીડિયો પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Paul Botting | Navarro Venegas | Super Jacko0
હવે CDV (કેનિન ડિસ્ટેમ્પર વાયરસ) શું છે? એ પણ જાણવું જરૂરી છે.
અમારી વધુ તપાસમાં અમને દિવ્ય ભાસ્કર દ્વારા બે વર્ષ પહેલાં પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં CDV વિશેની માહિતી પવામાં આવી હતી. કારણ કે, આ વાયરસ ગુજરાતના ગીર ખાતેના સિંહ માટેના અભયારણ્યમાં જોવા મળ્યો હતો. જેને કારણે ઘણા બધા સિંહોના મોત પણ થયા હતા.
કૂતરાંઓની લાળ મારફતે નીકળતા વાઇરસને લીધે ફેલાતો આ રોગ વન્ય જીવો માટે બહુ જ મોટો ખતરો મનાય છે. માણસોમાં જે વાઇરસને લીધે બ્રોન્કાઈટિસ જેવા રોગો પ્રસરે છે એ જ કૂળનો આ વાઇરસ પ્રાણીઓમાં જીવલેણ બની જાય છે. શ્વાસોચ્છવાસની પ્રક્રિયા દ્વારા પ્રાણીઓના શરીરમાં આ વાઇરસ પ્રવેશે પછી એક અઠવાડિયામાં તેના લક્ષણો દેખાવા માંડે છે. એક અઠવાડિયામાં જો તેનો ઈલાજ કરવામાં ન આવે તો વાઇરસ સતત દ્વિગુણ રુપાંતરિત (બમણી ઝડપે શરીરમાં પ્રસરીને) જીવલેણ બની જાય છે.
આ વાયરસને કારણે વર્ષ 2018 માં માત્ર બે જ મહિનાના સમયગાળામાં 27 જેટલા સિંહોના મોત થયા હતા. આ વાયરસ અંગેની વધુ માહિતી તમે timesofindia.indiatimes.com પર પણ જોઈ શકો છો.
આ વાયરસ અંગેના વધુ એક સમાચાર તમે અહીં જોઈ શકો છો. thehindubusinessline.com
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે પાટણ જિલ્લાના સરકારી પશુ ચિકિત્સક અધિકારી ડૉ. કૌશિકભાઈ પંડ્યાનો સંપર્ક કરીને આ વીડિયો અંગે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “મારા મત પ્રમાણે હું એવું માનું છું કે આ સિંહને કદાચ ડાટ ગન (Dat Gun) દ્વારા એનેસ્થેશિયા આપવામાં આવ્યું હોય તો આ પ્રકારની હરકતો કરી શકે છે. કદાચ સિંહ કેનિન ડિસ્ટેમ્પર વાયરસનો ભોગ બન્યો હોય તો પણ આવું બનવાની શક્યતા છે. પરંતુ જે રીતે તેને યમ દૂત દેખાતા હોવાની જે માહિતી વાયરલ કરવામાં આવી રહી છે એ હાસ્યાસ્પદ લાગે છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં સિંહ CDV એટલે કે કેનિન ડિસ્ટેમ્પર નામના વાયરસનો ભોગ બન્યો હોવાને કારણે આ પ્રકારનું વર્તન કરી રહ્યો છે. તેને યમના દૂત દેખાઈ રહ્યા હોવાની માહિતી ખોટી છે.

Title:CDV વાયરસનો ભોગ બનેલા સિંહનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ…
Fact Check By: Vikas VyasResult: Explainer
