ગાઝાના વિડિયોને કાબુલ એરપોર્ટ પરના બ્લાસ્ટ તરીકે શેર કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....
તાલિબાનોએ અફઘાનિસ્તાન દેશ પર કબજો કર્યા બાદ સોશિયલ મિડિયા પર અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તાજેતર કાબુલ એરપોર્ટ નજીક થયેલા વિસ્ફોટમાં 26 મી ઓગસ્ટ 2021 ના રોજ ઓછામાં ઓછા 60 અફઘાન અને 13 યુએસ સૈનિકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે. તે વચ્ચે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં શહેરના મધ્યમાં એક મોટો વિસ્ફોટ બતાવી રહ્યો છે. તાલિબાનોએ સ્પષ્ટતા કરી છે કે આ વિસ્ફોટ ISIS દ્વારા કરવામાં આવ્યો હતો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો હાલમાં કાબુલ એરપોર્ટ પર થયેલા બ્લાસ્ટનો વિડિયો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો તાજેતરમાં ગાઝા પટ્ટીમાં થયેલા વિસ્ફોટોનો છે. વિડિયોનો અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટો સાથે કોઈ સંબંધ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Ranjit Makwana નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓગસ્ટ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો હાલમાં કાબુલ એરપોર્ટ પર થયેલા બ્લાસ્ટનો વિડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 21 ઓગસ્ટ 2021ના રોજ હેબરલર ન્યૂઝ દ્વારા પ્રકાશિત કરેલો સમાન વિડિયો પ્રાપ્ત થયો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતુ કે, ઇઝરાયેલી યુદ્ધ વિમાનોએ નાકાબંધી કરેલી ગાઝા પટ્ટીના વિવિધ ભાગો પર હવાઈ હુમલા કર્યા. રિપોર્ટ અનુસાર નાકાબંધી કરાયેલી ગાઝા પટ્ટીની સરહદ પર યોજાયેલા પ્રદર્શનમાં 41 પેલેસ્ટાઈનિયનો ઘાયલ થયા છે. 1969માં કટ્ટરપંથી યહૂદીઓ દ્વારા મસ્જિદ અલ-અક્સાને બાળી નાખવાની 52મી વર્ષગાંઠની ઉજવણી માટે આયોજિત વિરોધ દરમિયાન આ વિસ્ફોટો થયા હતા.
અમને જાણવા મળ્યું છે કે ગાઝામાં જોરદાર વિસ્ફોટ સંભળાયો હોવાના કેપ્શન સાથે દૈનિક ગતિવિધિ પરનો વિડિયો પણ અપલોડ કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ ગાઝા પટ્ટીના જુદા જુદા ભાગો પર હવાઈ હુમલા કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આ વિડિયો 22 ઓગસ્ટ 2021ના રોજ હેબરના વેરિફાઈડ યુટ્યુબ એકાઉન્ટ દ્વારા પણ અપલોડ કરવામાં આવ્યો હતો. વિડિયોના વર્ણનમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ઈઝરાયેલી સેનાએ નાકાબંધી કરેલ ગાઝા પટ્ટીમાં કેટલાક પોઈન્ટ પર હવાઈ હુમલા કર્યા હતા. ગાઝા-ઇઝરાયલ સરહદ પર એકઠા થયેલા સેંકડો પેલેસ્ટાનિયનો દ્વારા દેખાવો બાદ આ વિસ્તારમાં તણાવ વધ્યો હતો. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, વર્ષ 1969માં કટ્ટરપંથી યહૂદી દ્વારા મસ્જિદ અલ-અક્સાને સળગાવવાની 52મી વર્ષગાંઠ પર આ ઘટના બની હતી. આ ઘટનાનો સંક્ષિપ્ત ઇતિહાસ આપતાં તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઓસ્ટ્રેલિયન મૂળના કટ્ટર ડેનિસ માઇકલ રોહન અલ-અક્સામાં પ્રવેશ્યા હતા. મસ્જિદ 21 ઓગસ્ટ, 1969 ના રોજ અને કિબ્લા મસ્જિદની વેદી અને 1000 વર્ષ જૂની સલાઉદ્દીન વ્યાસપીઠ સળગાવી દીધી. આમ, 19 મી ઓગસ્ટના રોજ, ઇઝરાયેલી સેનાએ ગાઝા સરહદ પર તેના દળો વધારવાનો નિર્ણય કર્યો.
અલ-જઝીરા દ્વારા પણ 22 ઓગસ્ટ 2021ના રોજ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ વિડિયોનું લાંબુ સંસ્કરણ પોસ્ટ કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે, “વિડિયો ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન પક્ષોની સાઇટ્સ પર ઇઝરાયેલી દરોડાનાં પ્રથમ દ્રશ્યો દર્શાવે છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો તાજેતરમાં ગાઝા પટ્ટીમાં થયેલા વિસ્ફોટોનો છે. વિડિયોનો અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટો સાથે કોઈ સંબંધ નથી.
Title:ગાઝાના વિડિયોને કાબુલ એરપોર્ટ પરના બ્લાસ્ટ તરીકે શેર કરવામાં આવી રહ્યો...
Fact Check By: Yogesh KariaResult: False