
Chirag Bhesaniya નામના ફેસબુક યુઝર દ્વારા 17 સપ્ટેમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #સાયકલ વાળા ના પણ પોલીસ #ચલણ ફાડે…..જય હો મોદીજી #GDP વધારવા માટેનો #આનાથી મોટો ઉપાય શું હોય શકે…..!!!!!!! ,???????? #જય હો મોદીજી….આગામી ચૂંટણી માં #વટ થી મોદીજી ને વોટ આપવા નો છે….જય હો મોદીજી…. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ટ્રાફિક પોલીસ દ્વારા એક સાયકલ સવારને મેમો આપવામાં આવ્યો છે. આ પોસ્ટને 138 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 39 લોકો દ્વારા પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 1300 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Post Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે જો ખરેખર ટ્રાફિક પોલીસ દ્વારા સાયકલ સવારને મેમો આપવામાં આવ્યો હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોય અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા એને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય. એટલા માટે સૌપ્રથમ અમે પોસ્ટના વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ ઠોસ પરિણામો પ્રાપ્ત ન થતાં અમે અમારી તપાસ આગળ વધારી હતી અને જુદા જુદા કીવર્ડથી આ માહિતીને ગુગલમાં શોધવાની કોશિશ કરી હતી. અમારી તપાસમાં અમને એનડીટીવી ઈન્ડિયા દ્વારા 19 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, આ ઘટના તમિલનાડુના પેન્નાગરામના એરિયુરની છે. જેમાં એક સબ ઈન્સપેક્ટર દ્વારા સાયકલ સવારને રોકવામાં આવ્યો હતો. સબ ઈન્સપેક્ટર એસ.સુબ્રામણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ ઘટના સોમવારના રોજ બની હતી. હું તમને એ જણાવવા માગુ છું કે, અમે બધી ગાડીઓને પકડી શકતા નથી. જ્યારે અમે એક ગાડીને પકડીએ ત્યારે બીજી ગાડીઓ બાજુમાંથી નીકળી જાય છે. આ સમગ્ર બનાવમાં સાયકલ સવાર છોકરો બંને હાથ છોડીને સાયકલ ચલાવી રહ્યો હતો. તેની આગળ બે બાઈક હતા. જો ત્યાં કોઈ એક બાઈક ચાલક દ્વારા બ્રેક મારવામાં આવી હોત તો સાયકલ સવારનું મોત પણ થઈ શકતું હતું. વધુમાં પોલીસે એ પણ જણાવ્યું હતું કે, સાયકલને જપ્ત કરવામાં આવી હતી. સાયકલ ચાલક પર કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થતી માહિતી ખોટી છે. થોડા સમય બાદ સાયકલ સવારને છોડી મૂકવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને ખોટો સાબિત કરતા અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
lokmatnews.in | patrika.com | chauthiduniya.com |
Archive | Archive | Archive |
આ સમગ્ર તપાસને અંતે અમને The Newsbol દ્વારા 19 સપ્ટેમ્બર, 2019 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોની સત્યતા તપાસતો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ટ્રાફિક પોલીસ દ્વારા સાયકલ સવારને મેમો આપવામાં આવ્યો હોવાની માહિતી ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ટ્રાફિક પોલીસ દ્વારા સાયકલ સવારને મેમો આપવામાં આવ્યો હોવાની માહિતી ખોટી છે. સાયકલ સવાર ખુલ્લા હાથે સાયકલ ચલાવતો હોવાથી તેને રોકવામાં આવ્યો હતો ત્યાર બાદ કોઈ જ કાર્યવાહી વિના તેને થોડા સમય બાદ છોડી મૂકવામાં આવ્યો હતો.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર ટ્રાફિક પોલીસ દ્વારા સાયકલ સવારને મેમો આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
