
ગુજ્જુ કલાકારોની મોજ – લાઈક અને શેર જરૂર કરીયે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરી હતી. ‘રાજકોટ-સ્માર્ટ સીટીમાં રાજકોટમાં વરસાદ પડતાં ગોંડલ ચોકડી ખાતે વાહનનો ડિસ્કો કરતા નજરે પડ્યા, NHAI ના અધિકારીઓ જોઈ રહ્યા છે ડિસ્કો,વાહનચાલકો થઈ રહ્યા છે પરેશાન’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 110 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 66 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાજકોટમાં ગોંડલ ચોક્ડી પાસે આવેલા રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે આ વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ તેમજ યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી શોધવાનો પ્રયત્ન કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.


ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ આ પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયો જોવા મળ્યો ન હતો, તેથી અમે ગૂગલ પર ‘રાજકોટ ગોંડલ ચોકડીના ખરાબ રસ્તાનો વિડિયો વાયરલ’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને ક્યાંય પણ પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયો અંગેની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને વિડિયોમાં નીતા ટ્રાવેલ્સની બસ જોવા મળી રહી છે. તેથી અમે રાજકોટ શહેરની નીતા ટ્રાવેલ્સની ઓફિસે વાત કરી હતી અને આ પ્રકારે તેમની બસનો વિડિયો વાયરલ થયો હોવાનુ પુછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયો રાજકોટનો નથી. તેમજ આ રોડ પરથી અમારી બસ પસાર થઈ હોવાનું અમારા ધ્યાનમાં નથી.”જો કે, ત્યારબાદ અમે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બન્છાનિધિ પાનીનો સંપર્ક કર્યો હતો, તેમને અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે જો કોઈ રસ્તો ખરાબ હોય તો એક જ વિડિયો કેમ વાયરલ થાય, અન્ય વાહનોના વિડિયો પણ વાયરલ થવા જોઈએ ને. આ પ્રકારે કોઈ રસ્તા રાજકોટમાં ખરાબ નથી. આ વિડિયો રાજકોટનો નથી તેવું કહી શકાય.”

આમ ઉપરોક્ત વિડિયો હાલનો રાજકોટનો ન હોવાનું અમારી પડતાલમાં સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયો મુજબના કોઈ રસ્તા ખરાબ ન હોવાનું કમિશનર દ્વારા જણાવવામાં આવ્યુ છે.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયો મુજબના કોઈ રસ્તા ખરાબ ન હોવાનું કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Title:શું ખરેખર આ વિડિયો રાજકોટની ગોંડલ ચોકડીનો છે અને રસ્તો ખરાબ છે….? જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: False
