
Cws News Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દિલ્હી ના રોહીની પાર્ક નો આ વિડિઓ માં પાર્ક માં ભૂત (ghots) કસરત કરતા નજર આવે છે આ વિડિઓ દિલ્હી માં થઇ રહીઓ છે ખુબ વાઇરલ #delhi #viralvido #share #ghost #video” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 362 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 172 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિલ્હીના બાગમાં કસરત કરવાનું મશીન ભૂત દ્વારા ચલાવવામાં આવી રહ્યુ હતુ.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવહી શરૂ કરી હતી. અમે ગૂગલ પર સંબંધિત સમાચારની ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે શોધ કરીને તપાસ શરૂ કરી હતી, જેના પરિણામે અમને ઝાંસી પોલીસ દ્વારા 13 જૂન 2020ના રોજ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી કરાયેલ એક ટ્વીટ પ્રાપ્ત થયુ હતુ. આ ટ્વિટમાં લખ્યું હતુ કે, “આ ઝૂલામાં વધારે ગ્રીસ લગાવવાના કારણે એક વાર ઝૂલા ચલાવ્યા બાદ થોડી સેકેન્ડ સુધી તે ચાલતો રહે છે. કોઈ શરારતી તત્વ દ્વારા ઝૂલાને ચલાવી અને વિડિયો બનાવી સોશિયલ મિડિયા પર મુકી દિધો છે. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અને ઝૂલાને હલાવી તેનો વિડિયો બનાવી હતી. પોલીસ આ શરારતી તત્વોની તપાસ કરી રહી છે. ભૂતની વાત અફવાહ છે.”
ત્યારબાદ ફેક્ટ ક્રેસેન્ડોએ ઝાંસીના એસપી સિટી રાહુલ શ્રીવાસ્તવનો સંપર્ક કર્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે “સોશિયલ મીડિયા પર આ વીડિયો ફેલાવતા દાવા એકદમ ખોટા છે. આ વીડિયો ઝાંસીના નંદમપુરાના કાશીરામ પાર્કનો છે. હકીકતમાં, આ કસરત ઉપકરણોમાં વધુ ગ્રીસ હતું, જેના કારણે એકવાર તેને હલાવી લો ત્યારે થોડીવાર માટે તે પોતાની મેળે ચાલે છે. આ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલુ કારસ્તાન છે. આ વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. આ વિડિઓને કોઈ ભૂત અથવા પેરાનોર્મલ પ્રવૃત્તિઓ સાથે કોઈ લેવા દેવા નથી.”
ઝાંસી પોલીસે તપાસનીસ સી.ઓ. સિટી (ઝાંસી) દ્વારા મળેલી માહિતી તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર અપલોડ કરી હતી. આ ટ્વીટમાં લખ્યું હતુ કે, “જે વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઝૂલો જાતે જ ઝૂલતો દેખાઈ રહ્યો છે, તે સ્થાને @COCityjhansi દ્વારા સત્યતાની તપાસ કરવામાં આવી હતી, ઝૂલામાં ગ્રીસ વધારે હોવાને કારણે એક વાર ઝૂલાને ચલાવવામાં આવ્યા બાદ તે થોડા સમય માટે ચાલતો જ રહે છે. આપ સૌને અપીલ છે કે ભૂત વગેરે હોવાની અફવાઓ ન ફેલાવો. #FakeNewsAlert”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો દિલ્હીનો નહિં પરંતુ ઝાંસીનો છે. તેમજ ઝૂલો કોઈ ભૂત દ્રારા નહિં પરંતુ ગ્રીસ વધારે થઈ જવાને કારણે એકવાર ચલાવ્યા બાદ તે તેની રીતે થોડીવાર સુધી ચાલતો રહે છે. ભૂત દ્વારા કસરત કરવામાં આવતી હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો દિલ્હીના બાગનો છે અને તેને ભૂત ચલાવે છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
