
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુંદર કોતરણી કામવાળા મંદિરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુંદર કોતરણી કામવાળા મંદિરનો આ વીડિયો અયોધ્યા ખાતે બનેલા રામ મંદિરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં સુંદર કોતરણી કામવાળા મંદિરનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અયોધ્યા ખાતે બનેલા રામ મંદિરનો નહીં પરંતુ ઝારખંડ ખાતે આવેલા જૈન તીર્થસ્થાન સંમેત શિખરનો છે. આ વીડિયોને અયોધ્યા રામ મંદિર સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 9 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રામ મંદિર અયોધયા. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુંદર કોતરણી કામવાળા મંદિરનો આ વીડિયો અયોધ્યા ખાતે બનેલા રામ મંદિરનો છે.
Facebook Post | Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને 30 જાન્યુઆરી, 2024 ના રોજ ચિત્રા ટીવી નામની યુટ્યુબ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવેલો પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો મળ્યો હતો. જેની નીચે કેપ્શનમાં એવું લખ્યું હતું કે, શ્રી સંમેત શિખરજી તળેટી તીર્થ, પારસનાથ હિલ પર સ્થિત. વધુમાં એવું લખવામાં આવ્યું હતું કે, શ્રી સંમેત શિખરજી તળેટી તીર્થનો જે ભારતના ઝારખંડના સૌથી ઊંચા પર્વત પારસનાથ ટેકરી પર સ્થિત છે, જે એક જૈન તીર્થસ્થાન છે જ્યાં 24 માંથી 20 જૈન તીર્થંકરોએ મોક્ષ મેળવ્યો હતો અથવા જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવી હતી. આ સ્થળને સંમેત શિખર અથવા સંમેદ શિખર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે “એકાગ્રતાનું શિખર”, કારણ કે તીર્થંકરો અને અન્ય સાધુઓ ત્યાં ઊંડું ધ્યાન કરતા હતા. આ સ્થળ પર 31 મંદિરો છે, દરેક એક અલગ તીર્થંકર અથવા જૈન સંતને સમર્પિત છે. મુખ્ય મંદિર જળ મંદિર છે, જ્યાં 23 મા તીર્થંકર પાર્શ્વનાથને મોક્ષ પ્રાપ્ત થયો હતો. મંદિર પાણીની ટાંકીથી ઘેરાયેલું છે અને પાર્શ્વનાથની આરસની મૂર્તિ ધરાવે છે.
આજ વીડિયો અદ્ભૂત ટીવી ઈંડિયા દ્વારા પણ તેના યુટ્યુબ પર આજ માહિતી સાથે મૂકવામાં આવ્યો હતો.
અમારી વધુ તપાસમાં અમને મંદિરના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ફરતા થાંભલાના અન્ય વીડિયો પણ જોવા મળ્યા હતા.
અંતે અમે ગૂગલ મેપ્સની મદદથી મંદિરનું લોકેશન શોધી કાઢ્યું. જ્યાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાઈ રહેલા દ્રશ્યો જેવા જ ફોટો પ્રાપ્ત થયા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સુંદર કોતરણી કામવાળા મંદિરનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અયોધ્યા ખાતે બનેલા રામ મંદિરનો નહીં પરંતુ ઝારખંડ ખાતે આવેલા જૈન તીર્થસ્થાન સંમેત શિખરનો છે. આ વીડિયોને અયોધ્યા રામ મંદિર સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:જાણો તાજેતરમાં અયોધ્યા રામ મંદિરના નામે વાયરલ થઈ રહેલા મંદિરના વીડિયોનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: False
