શું ખરેખર ભારતમાં આ પ્રકારે ઢોંગી બાબાને કબરમાંથી બહાર નીકાળીને ધરપકડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

Communal Missing Context

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કબરમાંથી જવાબ આપી રહેલા એક બાબાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પીર સાહેબ કબરમાંથી જવાબ આપી રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020 માં પાકિસ્તાનના સિયાલકોટ ખાતે બનેલી ઘટનાનો છે. જેમાં આ આરોપી કાળા જાદૂના નામે લોકોને ઠગી રહ્યો હતો. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sampurna Samachar Seva નામના ફેસબુક પેજ દ્વારા 21 એપ્રિલ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પીર સાહેબ કબરમાંથી જવાબ આપે છે… પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પીર સાહેબ કબરમાંથી જવાબ આપી રહ્યા છે તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 27 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટના પાકિસ્તાનના સિયાલકોટ ખાતે બની હતી.

અમારી વધુ તપાસમાં અમને 24 ન્યૂઝ ચેનલ પર આ વીડિયોના સંપૂર્ણ સમાચાર મળ્યા હતા. તેમાં જણાવ્યા પ્રમાણે, વાયરલ વીડિયો પાકિસ્તાનના સિયાલકોટ શહેરનો છે. કબરમાં બેઠેલો વ્યક્તિ કાળા જાદુના નામે લોકો પાસેથી પૈસા લેતો હતો. આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે, તે કબરમાં 40 દિવસ સુધી કંઈ પણ ખાધા-પીધા વગર રહ્યો હતો. પરંતુ સમાધિની અંદર તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ હતી. બહાર જવા માટે કબરની આસપાસ સુરંગ પણ ખોદવામાં આવી હતી. પાકિસ્તાનની અન્ય ન્યૂઝ ચેનલોએ પણ આ અહેવાલ પ્રકાશિત કર્યો હતો.

પાકિસ્તાની સ્ટાર ન્યૂઝ અનુસાર ડીપીઓ સિયાલકોટની સૂચના પર પોલીસે કેસ નોંધીને નકલી પીર સગીર શાહની ધરપકડ કરી લીધી છે. આ સમાચાર પાકિસ્તાની આર્ય ન્યૂઝ પર પણ પ્રકાશિત થયા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020 માં પાકિસ્તાનના સિયાલકોટ ખાતે બનેલી ઘટનાનો છે. જેમાં આ આરોપી કાળા જાદૂના નામે લોકોને ઠગી રહ્યો હતો. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર ભારતમાં આ પ્રકારે ઢોંગી બાબાને કબરમાંથી બહાર નીકાળીને ધરપકડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context